આજે દુબઈમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એશિયા કપમાં થયેલા વિવાદોનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો. જે બાદ ICCએ પાકિસ્તાની ક્રિકેટર હારિસ રઉફ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. હારિસને બે મેચ માટે સસ્પેન્ડ કરી દેવાયો છે. હારિસની સાથે સાથે ભારતીય ક્રિકેટર સૂર્યકુમાર યાદવ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે. ICCએ સૂર્યકુમાર યાદવ પર મેચ ફીસના 30 ટકા દંડ ફટકાર્યો છે.
એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનની મેચોમાં થયા હતા વિવાદ
નોંધનીય છે કે એશિયા કપ ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કુલ ત્રણ મેચ રમાઈ હતી. આ ત્રણેય મેચમાં બંને ટીમના ખેલાડીઓ વચ્ચે વિવાદ થયો હતો. જે બાદ અલગ અલગ મેચો માટે કુલ પાંચ ખેલાડીઓ વિરુદ્ધ કાર્યવાહી મામલે સુનાવણી કરવામાં આવી છે. જેમાં સૂર્યકુમાર યાદવ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, હારિસ રઉફ અને સાહિબઝાદા ફરહાનનું નામ સામેલ છે.
14 સપ્ટેમ્બર, 2025ની મેચ માટે કુલ ત્રણ ખેલાડીઓને સજા
1. 14મી સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટુર્નામેન્ટની પહેલી મેચ રમાઈ. આ મેચ માટે ICCએ સૂર્યકુમાર યાદવને અનુચ્છેદ 2.21 માટે દોષિત ઠેરવ્યો છે. સૂર્યકુમાર યાદવને ખેલની ભાવના ઠેસ પહોંચાડવાનો દોષિત માનવામાં આવ્યો છે. તેથી મેચ ફીસના 30 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે તથા બે ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યા છે.
2. આ જ મેચ માટે જ પાકિસ્તાનના સાહિબઝાદા ફરહાનને ડિમેરિત પોઈન્ટ આપીને ચેતવણી આપવામાં આવી છે.
3. આ સિવાય હારિસ રઉફને મેચ ફીસના 30 ટકા દંડ તથા બે ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યા છે.
21 સપ્ટેમ્બર 2025
1. આ મેચ માટે અર્શદીપ સિંહને અશોભનીય ઈશારા કરવાનો આરોપ હતો, જોકે ICCએ અર્શદીપ સિંહને નિર્દોષ જાહેર કરી કોઈ સજા આપી નથી.
2. જસપ્રીત બુમરાહને નિયમોના અનુચ્છેદ 2.21ના ઉલ્લંઘનના આરોપમાં ચેતવણી અપાઈ તથા એક ડિમેરિટ પોઈન્ટ અપાયો. બુમરાહે સજા સ્વીકારી લીધી હતી તેથી બેઠકમાં સુનાવણી થઈ નથી.
3. આ મેચ માટે હારિસ રઉફ ફરી દોષિત સાબિત થયો અને ફરી મેચ ફીસના 30 ટકા દંડ અને બે ડિમેરિટ પોઈન્ટ અપાયા.
રઉફ બે મેચોમાં દોષિત સાબિત થતાં તેને બે મેચ માટે સસ્પેન્ડ કરાઇ દેવાયો છે.