હોર્મુઝમાં અમેરિકી સેનાના હુમલામાં 3 ભારતીયોના મોતથી ભારત લાલચોળ: UNએ અમેરિકાને ખખડાવ્યું
Paras Joshi
Author
મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે હવે આંતરરાષ્ટ્રીય સમુદ્રી માર્ગો પર વ્યાપારી જહાજોની સુરક્ષા મોટો ચિંતાનો વિષય બની ગઈ છે. ઓમાનના દરિયાકાંઠે ભારતીય નાવિકોના જીવ જોખમમાં મૂકતી અમેરિકી સેનાની સૈન્ય કાર્યવાહી સામે ભારત સરકારે હવે અત્યંત આક્રમક વલણ અપનાવ્યું છે. કોમર્શિયલ જહાજો પર યુએસ નેવી દ્વારા કરવામાં આવી રહેલા સળંગ મિસાઈલ પ્રહારોને ભારતે "અત્યંત ચિંતાજનક" ગણાવ્યા છે અને વોશિંગ્ટન સમક્ષ આ મામલો અત્યંત કડક શબ્દોમાં ઉઠાવ્યો છે.
૪ દિવસમાં ૩ ભારતીય જહાજો પર હુમલા અને ૩ નાવિકોના મોત
ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર માહિતી અનુસાર, છેલ્લા 4 દિવસની અંદર ઓમાનના દરિયાકાંઠે ભારતીય ક્રૂ મેમ્બર્સ સવાર હોય તેવા 3 કોમર્શિયલ જહાજો પર અમેરિકી સેનાએ ઘાતક હુમલા કર્યા છે. આ કટોકટીની શરૂઆત બુધવારે થઈ હતી જ્યારે અમેરિકી નૌકાદળ દ્વારા પલાઉ (Palau) દેશનો ધ્વજ ધરાવતા એક વિશાળ ઓઈલ ટેન્કર MT Settebello પર એક પછી એક અનેક મિસાઈલો છોડવામાં આવી હતી. આ મિસાઈલ હુમલાના કારણે જહાજમાં ભયાનક આગ લાગી ગઈ હતી અને જહાજ પર તૈનાત 3 નિર્દોષ ભારતીય નાવિકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાના આઘાત વચ્ચે જ, ગુરુવારે પણ અમેરિકી નૌકાદળ દ્વારા ઓમાનના દરિયામાં જ 20 ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા અન્ય એક વેપારી જહાજને નિશાન બનાવીને હુમલો કરવામાં આવ્યો હતો, જેના લીધે ભારત સરકારનો પિત્તો ગયો છે.
ભારતે અમેરિકી રાજદ્વારી જેસન મીક્સને બીજીવાર કર્યા તલબ
જહાજો પર થતા સતત હુમલા અને ભારતીયોના મોતના વિરોધમાં નવી દિલ્હી સ્થિત વિદેશ મંત્રાલયે ત્વરિત પગલાં લીધા છે. ભારતે ભારતમાં હાજર ટોચના અમેરિકી રાજદ્વારી જેસન મીક્સ (Jason Meeks) ને સાઉથ બ્લોકમાં બીજીવાર તલબ (Summon) કર્યા છે.
આ અગાઉ જ્યારે પ્રથમ હુમલામાં 3 ભારતીય નાવિકોના મોત થયા હતા, ત્યારે પણ ભારતે જેસન મીક્સને બોલાવીને સખત વિરોધ પત્ર સોંપ્યો હતો. ભારતે અમેરિકાને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે આંતરરાષ્ટ્રીય જળસીમામાં વેપારી જહાજો પર આવા આડેધડ હુમલા કોઈ પણ કાળે સહન કરી શકાય નહીં અને સૈન્ય ઓપરેશન દરમિયાન સામાન્ય નાગરિકોની સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા હોવી જોઈએ.
આંતરરાષ્ટ્રીય સમુદ્રી સંગઠન (IMO) એ અમેરિકાને ખખડાવ્યું
દુનિયાભરમાં સમુદ્રી શિસ્ત અને જહાજોની સુરક્ષાની દેખરેખ રાખતી સંયુક્ત રાષ્ટ્રની વિશેષ સંસ્થા આંતરરાષ્ટ્રીય સમુદ્રી સંગઠન (IMO - International Maritime Organization) એ આ ઘટના મામલે અમેરિકાની લશ્કરી દાદાગીરી સામે કડક વલણ અપનાવ્યું છે.
IMO ના જનરલ સેક્રેટરી (મહાસચિવ) આર્સેનિયો ડોમિંગ્વેઝે (Arsenio Dominguez) એક સત્તાવાર વૈશ્વિક નિવેદન જારી કરીને કોઈપણ પક્ષ દ્વારા કરવામાં આવતી આવી હિંસક અને ઉશ્કેરણીજનક હરકતોની 'કડક' શબ્દોમાં નિંદા કરી છે. તેમણે જણાવ્યું કે, "આ પ્રકારની સૈન્ય કાર્યવાહી કે જેનાથી નિર્દોષ નાવિકોના જીવ અને આંતરરાષ્ટ્રીય શિપિંગની સુરક્ષા જોખમમાં મુકાય, તે બિલકુલ સ્વીકાર્ય નથી. મારી સંવેદનાઓ જીવ ગુમાવનારા તે 3 ભારતીય નાવિકોના પરિવારો સાથે છે."
ડોમિંગ્વેઝે વધુમાં અમેરિકાને કાયદાના પાઠ ભણાવતા યાદ અપાવ્યું કે, "આંતરરાષ્ટ્રીય શિપિંગ અને મુક્ત નેવિગેશન પર અસર કરતી તમામ ગતિવિધિઓમાં આંતરરાષ્ટ્રીય કાયદાઓ (International Laws) અને સમુદ્રમાં માનવ જીવનની સુરક્ષાનું પૂરેપૂરું સન્માન થવું જ જોઈએ. નાવિકોની સુરક્ષા એ તમામ દેશોની સામૂહિક જવાબદારી છે અને તેને સર્વોચ્ચ મહત્વ આપવું પડશે."
સંયુક્ત રાષ્ટ્ર (UN) પણ ભારતના સમર્થનમાં આવ્યું
IMO દ્વારા લેવાયેલા કડક સ્ટેન્ડનું સંયુક્ત રાષ્ટ્ર (UN) ના સેક્રેટરી જનરલે પણ સંપૂર્ણ સમર્થન કર્યું છે. સંયુક્ત રાષ્ટ્રના સેક્રેટરી જનરલના સત્તાવાર પ્રવક્તા સ્ટીફન ડુજારિકે (Stephane Dujarric) વૈશ્વિક મીડિયા સમક્ષ બ્રીફિંગ આપતા જણાવ્યું કે, "મુખ્ય વાત એ છે કે સેટેબિલો (Settebello) ટેન્કર પર હુમલો થયો અને તેમાં કિંમતી ભારતીય નાવિકો માર્યા ગયા. આ હુમલાની આંતરરાષ્ટ્રીય મેરિટાઇમ ઓર્ગેનાઇઝેશનના સેક્રેટરી જનરલે સ્પષ્ટ અને કડક શબ્દોમાં નિંદા કરી છે અને સંયુક્ત રાષ્ટ્ર તરીકે અમે તે નિવેદનનું સંપૂર્ણ સમર્થન, અનુમોદન અને એન્ડોર્સમેન્ટ કરીએ છીએ."