Paras Joshi
Author
IPL 2026 હવે તેના રોમાંચક અંત તરફ આગળ વધી રહી છે. ટૂર્નામેન્ટની 67મી અને પોતાની છેલ્લી લીગ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે શાનદાર પ્રદર્શન કરીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 55 રનના વિશાળ અંતરથી પરાજય આપ્યો છે. હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં હૈદરાબાદની ટીમે પ્રવાસી બેંગલુરુ પર સંપૂર્ણ પ્રભુત્વ જમાવ્યું હતું. પરંતુ આ મેચના પરિણામમાં સૌથી રસપ્રદ વળાંક એ આવ્યો કે આટલી મોટી જીત છતાં હૈદરાબાદને પ્લેઓફના સમીકરણોમાં કોઈ મોટો ફાયદો થયો નથી, જ્યારે બીજી તરફ કારમી હાર વેઠ્યા બાદ પણ આરસીબીની ટીમ ફાયદામાં રહી છે અને લીગ સ્ટેજના અંતે પોઈન્ટ્સ ટેબલમાં નંબર 1 ના સ્થાને યથાવત રહી છે.
SRH ના બેટ્સમેનોનું તોફાન: સ્કોરબોર્ડ પર ખડક્યો 255 રનનો પહાડ
આ મેચમાં હૈદરાબાદે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો આક્રમક નિર્ણય કર્યો હતો. ઓપનર ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માએ ટીમને આક્રમક શરૂઆત અપાવતા માત્ર 4 ઓવરમાં 45 રન જોડી દીધા હતા. જોકે, રસિખ સલામ ડારે હેડને 26 રન પર બોલ્ડ કરીને આ જોડી તોડી હતી. ત્યારપછી અભિષેક શર્માએ ઈશાન કિશન સાથે મળીને આરસીબીના બોલરોની લાઇન-લેન્થ બગાડી નાખી હતી. અભિષેકે માત્ર 20 બોલમાં પોતાની હાફ સેન્ચુરી પૂરી કરી હતી અને કુલ 22 બોલમાં 56 રનની તોફાની ઇનિંગ રમી હતી.
મિડલ ઓર્ડરમાં ઈશાન કિશને હેનરિક ક્લાસેન સાથે મળીને રન ગતિ બમણી કરી હતી. ક્લાસેને માત્ર 24 બોલમાં પાવરફુલ 51 રન ફટકાર્યા હતા, જ્યારે ઓપનિંગમાંથી નીચે આવેલા ઈશાન કિશને મેદાનની ચારેય બાજુ ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવીને સૌથી વધુ 79 રન બનાવ્યા હતા. અંતમાં નીતિશ રેડ્ડીએ પણ પાંચમા નંબરે આવીને માત્ર 12 બોલમાં અણનમ 29 રન ઝૂડી કાઢ્યા હતા, જેના કારણે હૈદરાબાદે નિર્ધારિત 20 ઓવરમાં 255 રનનો હિમાલય જેવો સ્કોર બનાવ્યો હતો.
આરસીબીના બેટ્સમેનો પડ્યા ધીમા, વિરાટ કોહલી ફ્લોપ
મોટા સ્કોરનો પીછો કરવા ઉતરેલી બેંગલુરુની મજબૂત બેટિંગ લાઇન-અપ દબાણમાં આવી ગઈ હતી. વેંકટેશ અય્યરે શરૂઆતમાં આશા જગાડતા 19 બોલમાં 44 રનની ઇનિંગ રમી હતી, પરંતુ તેને એહસાન મલિંગાએ આઉટ કરીને આરસીબીને પહેલો ઝટકો આપ્યો હતો. આ પછી સાકિબ હુસૈને મેચનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ લાવતા કિંગ વિરાટ કોહલીને માત્ર 15 રનના સ્કોર પર પેવેલિયન ભેગો કર્યો હતો.
દેવદત્ત પડિક્કલ પણ ખાસ કંઈ ન કરી શક્યો અને 14 બોલમાં 21 રન બનાવી આઉટ થયો હતો. રજત પાટીદારે 56 રન બનાવ્યા ખરા, પરંતુ આ વિશાળ લક્ષ્ય સામે તેમની ઇનિંગ ઘણી ધીમી રહી હતી. અંતિમ ઓવરોમાં કૃણાલ પંડ્યાએ અણનમ 41 અને ટિમ ડેવિડે અણનમ 15 રન બનાવ્યા હોવા છતાં, આરસીબીની ટીમ 20 ઓવરમાં માત્ર 200 રન જ બનાવી શકી હતી અને મેચ 55 રનથી હારી ગઈ હતી.
આઈપીએલ 2026 પોઈન્ટ્સ ટેબલનું વર્તમાન ગણિત
આ મેચ પૂરી થયા બાદ પોઈન્ટ્સ ટેબલમાં રોમાંચક સ્થિતિ સર્જાઈ છે. બેંગલુરુ, ગુજરાત અને હૈદરાબાદ ત્રણેય ટીમોએ પોતાની 14-14 લીગ મેચો રમી લીધી છે અને ત્રણેયના ખાતામાં 9-9 જીત સાથે સરખા 18-18 પોઈન્ટ્સ છે. જોકે, નેટ રનરેટ (NRR) ના આધારે બેંગલુરુની ટીમ ટોપ પર રહી છે અને ગુજરાત ટાઇટન્સ બીજા સ્થાને છે. હૈદરાબાદનો રનરેટ આ બંને કરતા નબળો હોવાથી તે ત્રીજા સ્થાને જ રહી ગયું છે.
હવે ટોપ 2 માં રહેવાનો મોટો ફાયદો આરસીબી અને ગુજરાતને મળશે, જે અંતર્ગત 1 May ના રોજ આ બંને ટીમો વચ્ચે પહેલો ક્વોલિફાયર મુકાબલો રમાશે. આ મેચ જીતનારી ટીમ સીધી ફાઇનલમાં પહોંચશે, જ્યારે હારનારી ટીમને ફાઇનલમાં પહોંચવાની વધુ એક તક મળશે. બીજી તરફ, હૈદરાબાદે હવે એલિમિનેટર મેચ રમવી પડશે.
હવે પ્લેઓફના ચોથા સ્થાન માટે રાજસ્થાન રોયલ્સ પાસે સુવર્ણ તક છે. રાજસ્થાનની આગામી મેચ મુંબઈ ઇન્ડિયન્સ સામે છે, જો રાજસ્થાન આ મેચ જીતી જશે તો તે સીધું પ્લેઓફમાં ક્વોલિફાય કરી લેશે. પરંતુ જો રાજસ્થાન હારી જશે, તો નસીબના જોરે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) પાસે પ્લેઓફમાં પહોંચવાનો રસ્તો સાફ થઈ જશે.