પાટીદાર નેતા નિખિલ દોંગા મુંબઈની હોસ્પિટલમાં દાખલ, મોઢાના કેન્સરની સર્જરી સફળ રહી
Paras Joshi
Author
પાટીદાર સમાજના જાણીતા અગ્રણી અને યુવા નેતા નિખિલ દોંગાની તબિયત લથડતાં તેમને મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નિખિલ દોંગા ગંભીર બીમારીનો સામનો કરી રહ્યા હોવાના સમાચાર મળતા જ પાટીદાર સમાજના અગ્રણીઓ અને સમર્થકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. જો કે, મુંબઈ ખાતે તેમની સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે અને હાલ તેઓ ડોક્ટરોની દેખરેખ હેઠળ આઈસીયુ (ICU) માં ઓબ્ઝર્વેશન હેઠળ છે. નિખિલ દોંગાની આ તબિયત અંગે પાટીદાર નેતાઓ અલ્પેશ કથિરિયા અને વરૂણ પટેલે મહત્વના ખુલાસા અને નિવેદનો આપ્યા છે. જુઓ વીડિયો...
અલ્પેશ કથિરિયાનો બીમારી અંગે ખુલાસો
પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાએ નિખિલ દોંગાની બીમારી અને ઓપરેશન અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, "છેલ્લા ઘણા સમયથી નિખિલભાઈને મોઢાનું કેન્સર (Oral Cancer) ડિટેક્ટ થયેલું હતું. અગાઉ પણ તેમની એક સર્જરી થઈ ચૂકી હતી, પરંતુ આ વખતે ડોક્ટરોના સજેશન અને રિપોર્ટ્સના આધારે ફરીથી સર્જરી કરવામાં આવી છે."
તેમણે વધુમાં ઉમેર્યું કે, "આ ઓપરેશન ખૂબ સારું અને સફળ રહ્યું છે. હાલ તેઓ આઈસીયુમાં ઓબ્ઝર્વેશન હેઠળ છે અને થોડા સમય પછી ડોક્ટરની સૂચના મુજબ તેમને ડિસ્ચાર્જ કરવામાં આવશે. સમાજનો કોઈ યુવાન, વડીલ કે આગેવાન આવી તકલીફમાં હોય ત્યારે પરિવાર અને સમાજ ઈચ્છે છે કે તેઓ જલ્દી સાજા થઈ જાય. હું માં ઉમિયા અને માં ખોડલને પ્રાર્થના કરું છું કે તેઓ જલ્દી આ પરિસ્થિતિમાંથી બહાર આવે અને ફરી પોતાના કાર્યોમાં લાગી જાય. અગાઉ વિસાવદરના કાર્યક્રમમાં મારી તેમના પિતા અને પરિવાર સાથે વાત થઈ હતી, હાલ તેમનું મિત્ર વર્તુળ મુંબઈમાં તેમની સાથે જ છે."
વરૂણ પટેલનું આક્રમક અને રાજકીય નિવેદન
બીજી તરફ, પાટીદાર અગ્રણી વરૂણ પટેલે નિખિલ દોંગાના સ્વાસ્થ્યની કામના કરવાની સાથે સમાજના રાજકીય અસ્તિત્વને લઈને પણ એક મોટું નિવેદન આપ્યું છે. વરૂણ પટેલે જણાવ્યું કે, "મીડિયાના માધ્યમથી સમાચાર મળ્યા બાદ મેં મારા સોર્સથી પણ તપાસ કરી છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે નિખિલભાઈ વહેલામાં વહેલી તકે સ્વસ્થ થઈને પાછા ફરે. હવે મેદાનમાં (ફિલ્ડમાં) ઉતરવાનો સમય પાકી ગયો છે અને અમારે ઘણા અગ્રેસિવ કાર્યક્રમો કરવાના છે, જેમાં નિખિલભાઈ પાછા આવશે તો વધારે મજા આવશે."
તેમણે આગળ આકરા તેવરમાં જણાવ્યું કે, "નિખિલભાઈ માનસિક રીતે હંમેશા શક્તિશાળી રહ્યા જ છે, પરંતુ હવે શારીરિક રીતે પણ સ્વસ્થ થઈને આવશે ત્યારે સમાજના કલ્યાણ માટેની લાંબી લડાઈ બધા સાથે મળીને લડીશું. સમાજને નડતરરૂપ અસુર રૂપી તત્વોને હણવાના છે, તેના માટે શક્તિ જોઈશે અને એ અસુરોને હણવામાં આપણે બધા સાથે મળીને સફળ થઈશું. મને આશા છે કે બે-ચાર મહિનામાં તેઓ પરફેક્ટ રિકવર થઈ જશે. અમે ખભેખભા મિલાવી સમાજની એકતા, અસ્તિત્વ અને સામાજિક જ નહીં પણ હવે રાજકીય કલ્યાણ કરવા માટે પણ સાથે આવીશું. પાટીદાર સમાજના યુવાનો અમુક તત્વોથી ગભરાઈને રાજનીતિમાં નથી આવતા, તેમને મજબૂત માણસોનું પીઠબળ મળશે તો ભયનું વાતાવરણ દૂર થશે અને સમાજનું રાજકીય પ્રતિનિધિત્વ વધશે. આપણે પાટીદાર સમાજનું રાજકીય અસ્તિત્વ ખતમ નહીં થવા દઈએ."
હાલ, સમગ્ર પાટીદાર સમાજ અને સોશિયલ મીડિયા પર નિખિલ દોંગા વહેલી તકે સંપૂર્ણ સ્વસ્થ થઈને પરત ફરે તેવી પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે.