Paras Joshi
Author
બાંગ્લાદેશમાં હિંદુ અલ્પસંખ્યકો સામે હિંસાના બનાવો અટકવાનું નામ નથી લઈ રહ્યા. છેલ્લા 24 કલાકમાં થયેલી બે હત્યાઓએ સમગ્ર દેશમાં ચકચાર મચાવી દીધી છે. એક તરફ ગાઝીપુર જિલ્લામાં હોટલ માલિકની નિર્મમ હત્યા કરવામાં આવી, તો બીજી તરફ રાજબાડી જિલ્લામાં એક યુવાનને ગાડી ચઢાવીને મારી નાખવામાં આવ્યો. આ ઘટનાઓએ ફરી એકવાર બાંગ્લાદેશમાં હિંદુઓની સુરક્ષા અંગે ગંભીર ચિંતા ઊભી કરી છે.
તાજી ઘટના ગાઝીપુર જિલ્લાના કાલિગંજ વિસ્તારની છે, જ્યાં શનિવારની સવારએ 60 વર્ષીય લિટન ચંદ્ર ઘોષની તેમના જ હોટલમાં જ હત્યા કરવામાં આવી. લિટન ઘોષ ‘બોયિશાખી સ્વીટ એન્ડ હોટલ’ નામની હોટલ ચલાવતા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, હોટલમાં એક ગ્રાહક અને કર્મચારી વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. સ્થિતિ બગડતી જોઈ લિટન ઘોષ પોતાના કર્મચારીને બચાવવા માટે વચ્ચે પડ્યા હતા, પરંતુ આ દરમિયાન હુમલાખોરો તેમનાં પર જ તૂટી પડ્યા.
આરોપીઓએ લિટન ઘોષને લાત-ઘૂંસાંથી બેરહેમીથી માર્યા અને પછી બેલચા વડે તેમના માથા પર ઘા કર્યો. ગંભીર રીતે ઘાયલ થયેલા લિટન ઘોષનું ઘટનાસ્થળે જ મોત થયું. દિવસદહાડે થયેલી આ હત્યાથી કાલિગંજ વિસ્તારમાં ભય અને તણાવનું વાતાવરણ સર્જાઈ ગયું. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ માત્ર સામાન્ય ઝઘડો નહોતો, પરંતુ હિંદુ સમુદાયને નિશાન બનાવી કરાયેલી હિંસા જેવી લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે.
ઘટનાની જાણ થતા જ પોલીસ દળ ઘટનાસ્થળે પહોંચી ગયું અને પરિસ્થિતિ સંભાળવાનો પ્રયાસ કર્યો. પોલીસે ત્રણ શંકાસ્પદોને ધરપકડમાં લીધા હોવાનો દાવો કર્યો છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. જોકે, સ્થાનિક હિંદુ સમુદાય અને માનવાધિકાર કાર્યકરોનું માનવું છે કે તપાસ સંપૂર્ણપણે નિષ્પક્ષ થવી જોઈએ, જેથી સાચા દોષિતોને કડક સજા મળી શકે.
આ ઘટનાથી એક દિવસ અગાઉ રાજબાડી જિલ્લામાં પણ એક હિંદુ યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો હતો. 30 વર્ષીય રિપન સાહા પેટ્રોલ પંપ પર કામ કરતા હતા. માહિતી મુજબ, એક કારચાલકે પેટ્રોલ ભરાવ્યા બાદ પૈસા ચૂકવવા ઈનકાર કર્યો હતો. રિપને તેને અટકાવવાનો પ્રયાસ કરતા જ કારચાલકે જાણબૂઝીને તેમના પર ગાડી ચઢાવી દીધી, જેના કારણે રિપન સાહાનું મોત થયું. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં આક્રોશ ફેલાઈ ગયો છે.