સાવધાન! એન્ડ્રોઇડ ફોનમાં ઘૂસી ગયો છે ‘ગોડ મોડ’ વાયરસ, એક જ ક્લિકમાં બેંક એકાઉન્ટ થઈ શકે છે સાફ
Paras Joshi
Author
આ ખતરનાક મેલવેરની મોડસ ઓપરેન્ડી વિશે વાત કરીએ તો, તે ખૂબ જ ચાલાકીથી સામાન્ય લોકોને પોતાનો શિકાર બનાવે છે. ઈન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર હેઠળની NCTAU યુનિટે તપાસમાં જાણ્યું છે કે આ મેલવેર જાણીતી બેંકિંગ સેવાઓ અથવા સરકારી યોજનાઓના નામે આબેહૂબ નકલી એપ્લિકેશન તૈયાર કરે છે. ઉદાહરણ તરીકે, તે એસબીઆઈ યૌનો (SBI Yono), આરટીઓ ચલાણ (RTO Challan), કે પછી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ જેવી લોકપ્રિય સેવાઓનું રૂપ ધારણ કરે છે. યુઝર જ્યારે આ નકલી એપને અસલી સમજીને ડાઉનલોડ કરે છે, ત્યારે તે ફોનની સિસ્ટમમાં છૂપાઈ જાય છે અને યુઝરની જાણ બહાર ડેટા ચોરવાનું શરૂ કરી દે છે.
ગૃહ મંત્રાલયની એડવાઈઝરીમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ મેલવેર એન્ડ્રોઇડની 'એક્સેસિબિલિટી પરમિશન' (Accessibility Permission) નો ખોટો ફાયદો ઉઠાવે છે. સામાન્ય રીતે આ પરમિશન દિવ્યાંગોની મદદ માટે હોય છે, પરંતુ આ વાયરસ તેને મેળવીને આખા ફોન પર પોતાનો કંટ્રોલ જમાવી લે છે. એકવાર આ પરમિશન મળી જાય પછી હેકર્સ ગમે ત્યારે યુઝરની સ્ક્રીન જોઈ શકે છે, કી-બોર્ડ પર ટાઈપ થતા પાસવર્ડ વાંચી શકે છે અને બેંકિંગ ટ્રાન્ઝેક્શન માટે આવતા ઓટીપી (OTP) પણ મેળવી શકે છે. યુઝરને ખબર પણ નથી પડતી કે તેના ફોનનો રિમોટ કંટ્રોલ કોઈ બીજાના હાથમાં છે અને તેનું બેંક એકાઉન્ટ સાફ થઈ રહ્યું છે.
આ ડિજિટલ ખતરાથી બચવા માટે સરકારે કેટલીક મહત્વની માર્ગદર્શિકા જાહેર કરી છે. યુઝર્સને સલાહ આપવામાં આવી છે કે તેઓ કોઈપણ એપ્લિકેશન હંમેશા ગૂગલ પ્લે સ્ટોર (Google Play Store) જેવી વિશ્વસનીય જગ્યાએથી જ ડાઉનલોજી કરે. વોટ્સએપ કે એસએમએસ પર આવતી કોઈપણ અજાણી લિંક કે એપીકે (APK) ફાઈલ પર ક્લિક ન કરવું જોઈએ. જો કોઈ એપ બિનજરૂરી પરમિશન માંગે, ખાસ કરીને એક્સેસિબિલિટી પરમિશન, તો તેને તરત જ નકારી દેવી જોઈએ. જો તમારા ફોનમાં કોઈ શંકાસ્પદ એપ દેખાય, તો તેને વિલંબ કર્યા વગર ડિલીટ કરી દેવી અને ફોનને ફેક્ટરી રિસેટ કરવો હિતાવહ છે.
જો કોઈ વ્યક્તિ આ પ્રકારની સાયબર છેતરપિંડીનો શિકાર બને છે, તો સરકારે તાત્કાલિક મદદ માટે 1930 હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. આ ઉપરાંત, ભોગ બનનાર યુઝર cybercrime.gov.in પોર્ટલ પર જઈને પોતાની ફરિયાદ ઓનલાઈન નોંધાવી શકે છે. સરકાર સતત લોકોને જાગૃત કરી રહી છે કે સાયબર સુરક્ષામાં સાવચેતી જ સૌથી મોટું શસ્ત્ર છે. આધુનિક યુગમાં ટેકનોલોજી જેટલી ઉપયોગી છે, તેટલી જ જોખમી પણ સાબિત થઈ શકે છે, તેથી કોઈપણ એપ ડાઉનલોડ કરતા પહેલા તેની વિશ્વસનીયતા ચકાસવી અનિવાર્ય છે.