Home Technology
May 12, 2026

સોશિયલ મીડિયાને કડક વોર્નિંગ! ડીપફેક અને વાયરલ ફોટા મામલે સરકારનો હુકમ, ‘2 કલાકમાં હટાવો અથવા એક્શન માટે તૈયાર રહો’.

Author

Post Image

જો તમારી અંગત તસવીરો કે ડીપફેક વીડિયો સોશિયલ મીડિયા પર તમારી સહમતી વગર વાયરલ થઈ જાય, તો હવે તેને હટાવવા માટે દિવસો સુધી રાહ જોવી નહીં પડે. ભારત સરકારે 2026માં આઈટી (IT) નિયમોને વધુ કડક બનાવીને સોશિયલ મીડિયા જાયન્ટ્સ જેમ કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને એક્સ (X) પર મોટો સકંજો કસ્યો છે. નવા નિયમો મુજબ, આવી કોઈપણ ફરિયાદ મળ્યાના માત્ર ૨ કલાકની અંદર કંપનીઓએ તે કન્ટેન્ટ પ્લેટફોર્મ પરથી દૂર કરવું પડશે.

ડીપફેક અને AI ના વધતા જોખમ સામે કડક કાર્યવાહી

છેલ્લા કેટલાક સમયથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા બનાવવામાં આવતા ડીપફેક અને મોર્ફ્ડ (છેડછાડ કરેલા) ફોટાના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધ્યા છે. ખાસ કરીને મહિલાઓ અને બાળકીઓને નિશાન બનાવીને તેમને બ્લેકમેલ કરવા કે માનસિક રીતે હેરાન કરવા માટે આવા ટૂલ્સનો દુરુપયોગ થઈ રહ્યો છે. આ જોખમને જોતા ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે (MeitY) સ્પષ્ટ કર્યું છે કે 'પહેલા તપાસ કરો' ને બદલે હવે 'પહેલા કન્ટેન્ટ હટાવો' મોડલ પર કામ કરવું પડશે.

નવા નિયમોમાં શું છે ખાસ?

ઝડપી એક્શન: બિન-સહમતીવાળા ઇન્ટિમેટ ફોટા કે ડીપફેક કન્ટેન્ટની ફરિયાદ મળતા જ ૨ કલાકમાં કાર્યવાહી કરવી પડશે. સરકારી કે કોર્ટના આદેશ વાળા કેસોમાં આ સમયમર્યાદા ૩ કલાકની હોઈ શકે છે.

AI લેબલિંગ: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ માટે હવે AI જનરેટેડ કન્ટેન્ટ પર સ્પષ્ટ લેબલ લગાવવું ફરજિયાત બનશે, જેથી યુઝર્સ જાણી શકે કે આ ફોટો કે વીડિયો અસલી નથી.

મોડરેશન સિસ્ટમ: કંપનીઓએ હવે અદ્યતન AI ડિટેક્શન ટૂલ્સ અને ઇમરજન્સી રિસ્પોન્સ ટીમો તૈનાત કરવી પડશે. રિપોર્ટ અનુસાર, અત્યારે અંદાજે ૭૫% ફરિયાદ પર ૨ કલાકમાં એક્શન લેવાઈ રહ્યું છે.

જવાબદારી અને દંડ: જો કંપનીઓ આ નિયમોનું પાલન કરવામાં બેદરકારી દાખવશે, તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. બ્રિટન જેવા દેશોમાં તો આવી બેદરકારી બદલ ભારે દંડ કે પ્લેટફોર્મ બ્લોક કરવાની પણ જોગવાઈ છે.

નિષ્ણાતોનો મત અને પડકારો

જોકે, કેટલાક નિષ્ણાતો માને છે કે આટલી ઝડપથી કન્ટેન્ટ હટાવવાના નિયમનો ખોટો ઉપયોગ પણ થઈ શકે છે, જે વાણી સ્વાતંત્ર્ય (Free Speech) પર અસર કરી શકે. પરંતુ સાયબર એક્સપર્ટ્સનું કહેવું છે કે કોઈની જિંદગી અને માનસિક સ્થિતિ બચાવવા માટે આવા કડક પગલાં લેવા અનિવાર્ય છે.