કેજરીવાલ બનશે પોતાના વકીલ, દારૂ નીતિ કેસમાં ક્લીન ચિટ બચાવવા મેદાનમાં ઉતર્યા આપ સુપ્રીમો
Paras Joshi
Author
દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં નીચલી અદાલતે આપેલી ક્લીન ચિટ વિરુદ્ધ ઈડીએ કરેલી અપીલની સુનાવણીમાં અરવિંદ કેજરીવાલ આજે દિલ્હી હાઈકોર્ટમાં પોતે દલીલો કરશે. કેજરીવાલ અને અન્ય આરોપીઓએ જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માને આ કેસની સુનાવણીમાંથી હટવા માટે 'રિક્યુઝલ' અરજી દાખલ કરી છે. કેજરીવાલનો આરોપ છે કે ન્યાયાધીશ પક્ષપાત કરી રહ્યા છે અને અગાઉ તેમના દ્વારા અપાયેલા અનેક આદેશોને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. હાઈકોર્ટે અગાઉ કેજરીવાલને નોટિસ પાઠવીને 29 એપ્રિલ સુધીમાં જવાબ માંગ્યો હતો, પરંતુ તે પૂર્વે જ કેજરીવાલે પોતે કોર્ટમાં પક્ષ રાખવાનો નિર્ણય કર્યો છે.
દિલ્હી આબકારી નીતિ કૌભાંડમાં 22 જાન્યુઆરીના રોજ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે અરવિંદ કેજરીવાલને મોટી રાહત આપતા તેમને લોકસેવકના આદેશની અવગણના અને ઈડીના સમન્સને નજરઅંદાજ કરવાના આરોપોમાંથી મુક્ત કર્યા હતા. જોકે, નીચલી અદાલતના આ ફેંસલાને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો. ઈડીની આ અરજી પર સુનાવણી કરતા 1 એપ્રિલ 20 Eskom ના રોજ જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માની બેન્ચે કેજરીવાલને નોટિસ પાઠવી હતી અને આગામી 29 એપ્રિલ સુધીમાં તેમનો પક્ષ રજૂ કરવા આદેશ આપ્યો હતો. હવે આ કાયદાકીય જંગમાં કેજરીવાલ પોતે જ વકીલની ભૂમિકામાં જોવા મળશે.
કેજરીવાલ આજે હાઈકોર્ટમાં જસ્ટિસ સ્વર્ણકાંતા શર્મા સમક્ષ 'રિક્યુઝલ' એટલે કે સુનાવણીમાંથી ખસી જવાની દલીલ રજૂ કરશે. આમ આદમી પાર્ટીના જણાવ્યા અનુસાર, કેજરીવાલ અને અન્ય પૂર્વ આરોપીઓએ ન્યાયાધીશ શર્મા પર પક્ષપાતનો ગંભીર આક્ષેપ કર્યો છે. તેમનું કહેવું છે કે ન્યાયિક પ્રક્રિયામાં જનતાનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે આ કેસની સુનાવણી કોઈ અન્ય નિષ્પક્ષ બેન્ચ દ્વારા થવી જોઈએ. કેજરીવાલે પોતાના પત્રમાં એવો પણ દાવો કર્યો છે કે જસ્ટિસ શર્માએ આ જ મામલામાં અગાઉ જે આદેશો આપ્યા હતા તેને સર્વોચ્ચ અદાલતે પલટી નાખ્યા છે, જે તેમની નિષ્પક્ષતા પર સવાલ ઉભા કરે છે.