Home National
April 10, 2026

દિલ્હીથી બંગાળ સુધી મહિલા સશક્તિકરણની ગુંજ, ભાજપનું મોટું ચૂંટણીલક્ષી અભિયાન

Paras Joshi

Author

Post Image

પશ્ચિમ બંગાળમાં 23 એપ્રિલથી શરૂ થતા મતદાન પહેલા ભાજપે મહિલા મતદારો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કેન્દ્રીય કેબિનેટે મહિલા અનામત એક્ટમાં સુધારાને મંજૂરી આપી છે અને 16 એપ્રિલથી સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. ભાજપ અધ્યક્ષ નીતિન નબીન અને અન્ય વરિષ્ઠ નેતાઓએ મહિલાઓ સુધી પહોંચવા માટે મોટા અભિયાનનું આયોજન કર્યું છે. ૧૩ એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહિલા કાર્યકર્તાઓ અને ઉદ્યોગસાહસિકોને સંબોધિત કરશે. આ વ્યૂહરચનાનો હેતુ ૨૦૨૯ની સામાન્ય ચૂંટણીથી જ મહિલા અનામત લાગુ કરવાની સરકારની તૈયારી વિશે માહિતી આપવાનો અને બંગાળમાં મહિલા મતદારોનું સમર્થન મેળવવાનો છે.

બંગાળની ચૂંટણીમાં મહિલા મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવતા હોય છે, ત્યારે ભાજપે આ વર્ગને આકર્ષવા માટે કોઈ કસર બાકી રાખી નથી. સરકારની યોજના મુજબ, સંસદના વિશેષ સત્રમાં પસાર થનારા આ બિલને 2029ની લોકસભા ચૂંટણીથી જ અમલમાં મૂકવાની તૈયારી છે. આ અંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને પક્ષ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને વિવિધ રાજ્યોના નેતાઓ સાથે વર્ચ્યુઅલ બેઠક યોજીને જનસંપર્ક અભિયાનની રૂપરેખા તૈયાર કરી છે. આ અભિયાન દ્વારા મહિલાઓને માહિતગાર કરવામાં આવશે કે કેવી રીતે કેન્દ્ર સરકાર તેમના રાજકીય પ્રતિનિધિત્વ માટે ગંભીર પ્રયાસો કરી રહી છે.

આ મહા-અભિયાનના ભાગરૂપે 13 એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશભરની મહિલા કાર્યકર્તાઓ અને મહિલા ઉદ્યોગસાહસિકો સાથે સીધો સંવાદ કરશે. પીએમ મોદી આ દરમિયાન મહિલા અનામત માટે ભાજપના દાયકાઓ જૂના સંઘર્ષ અને વર્તમાન સરકારના નક્કર નિર્ણયો વિશે વિગતવાર માહિતી આપશે. આ કાર્યક્રમમાં સોશિયલ મીડિયા પર પ્રભુત્વ ધરાવતી મહિલા ઈન્ફ્લુએન્સર્સને પણ જોડવાની તૈયારી કરવામાં આવી છે, જેથી સરકારનો સંદેશ ડિજિટલ માધ્યમો દ્વારા છેવાડાની મહિલાઓ સુધી પહોંચી શકે.