Home Gujarat
June 06, 2026

ગાંધીનગરમાં BAOU અને વિદેશ મંત્રાલયના ઉપક્રમે આંતરરાષ્ટ્રીય BIMSTEC પરિષદનો પ્રારંભ

Inside Gujarat

Author

Post Image

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU) અને ભારત સરકારના વિદેશ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે “Strengthening BIMSTEC’s Role in Connectivity, Culture and Cooperation” વિષય પર આંતરરાષ્ટ્રીય પરિષદનું બિમ્સટેક ડે-૨૦૨૬ના અવસરે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. બિમ્સટેકના ત્રણ દાયકાના પ્રાદેશિક સહયોગ, વિકાસ અને ભાગીદારીના યોગદાનને ઉજાગર કરતી આ પરિષદમાં સંસ્થાના તમામ સાત સભ્ય દેશોના પ્રતિનિધિઓએ ઉપસ્થિતિ નોંધાવી હતી.

ડિજિટલ લર્નિંગ અને ફોક આર્ટસ કન્સોર્ટિયમનો પ્રસ્તાવ

પ્રારંભિક ઉદ્બોધનમાં BAOUના કુલગુરુ પ્રો. અમી ઉપાધ્યાયે તમામ પ્રતિનિધિઓનું સ્વાગત કરીને યુનિવર્સિટીની સર્વસમાવેશક, લવચીક અને ટેક્નોલોજી આધારિત શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરી હતી. તેમણે બિમ્સટેક ક્ષેત્રમાં શૈક્ષણિક સહયોગ, ડિજિટલ લર્નિંગ અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે “BIMSTEC Consortium for Folk Arts and Knowledge Systems”ની સ્થાપનાનો મહત્વપૂર્ણ પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

કનેક્ટિવિટી, સંસ્કૃતિ અને સહકારના ત્રણ સ્તંભ

મુખ્ય વક્તા તરીકે ભારત સ્કાઉટ્સ એન્ડ ગાઇડ્સના ચીફ નેશનલ કમિશનર ડૉ. કે.કે. ખંડેલવાલે જણાવ્યું હતું કે કનેક્ટિવિટી, સંસ્કૃતિ અને સહકાર એ બિમ્સટેકને વધુ મજબૂત બનાવનારા ત્રણ મુખ્ય સ્તંભો છે. તેમણે પ્રાદેશિક વિકાસ માટે પરિવહન અને ડિજિટલ કનેક્ટિવિટીના મહત્વ પર ભાર મૂકતા “BIMSTEC Digital Knowledge Grid”, “Youth Connectivity Corps” અને “School and University Twinning Programme” જેવી પહેલો સૂચવી હતી.

ભારતનો ૨૧ પોઈન્ટનો એક્શન પ્લાન

ભારત સરકારના વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ અને બિમ્સટેકના નેશનલ કોઓર્ડિનેટર એમ્બેસેડર સુગંધ કુમાર રાજારામે ભારતનો ૨૧ પોઈન્ટનો એક્શન પ્લાન રજૂ કર્યો હતો. તેમણે સેન્ટર્સ ઑફ એક્સેલન્સ, સ્કોલરશિપ્સ, યુવા વિનિમય કાર્યક્રમો, ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અને સંયુક્ત સંશોધન નેટવર્ક જેવી યોજનાઓની માહિતી આપી હતી. તેમણે ટેક્નોલોજી આધારિત અને પરિણામલક્ષી પ્રાદેશિક સહયોગની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો.

વૈશ્વિક અને વ્યાપારી સંબંધોની સમીક્ષા

પૂર્વ રાજદૂત તથા ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિષદ (ICCR)ના ભૂતપૂર્વ મહાનિર્દેશક એમ્બેસેડર અખિલેશ મિશ્રાએ પોતાના રાજદ્વારી અનુભવના આધારે બિમ્સટેકના વિશાળ આર્થિક સામર્થ્યની ચર્ચા કરી હતી. તેમણે સભ્ય દેશો વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને ઉજાગર કરતાં આગામી ત્રણ દાયકાઓ માટે નવી વ્યૂહાત્મક દ્રષ્ટિ અપનાવવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી.

વિશેષ ઉદ્બોધનમાં એમ્બેસેડર અનિલ ત્રિગુણાયતે બિમ્સટેકની ત્રીસ વર્ષની વિકાસયાત્રાને યાદ કરતાં આંતરપ્રાદેશિક વેપાર અને લોકો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાની આવશ્યકતા વ્યક્ત કરી હતી.

મહાનુભાવોની ઉપસ્થિતિ અને આભારવિધિ

આ કાર્યક્રમમાં BAOUના બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો યતિનકુમાર પટેલ, જયેશ પટેલ, નરેન્દ્ર કે. પટેલ, અશોક મોંડલ તેમજ અન્ય બોર્ડ મેમ્બર્સ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. યેશા ભટ્ટે કર્યું હતું. કાર્યક્રમના અંતે BAOUના સ્કૂલ ઑફ કમ્પ્યુટર સાયન્સના નિયામક પ્રો. નિલેશ મોદીએ આભારવિધિ કરી હતી.

બીજા દિવસની રૂપરેખા

પરિષદના બીજા દિવસે મુખ્યત્વે 'પીસ એન્ડ રિજિયોનલ કોઑપરેશન', 'સસ્ટેનેબિલિટી એન્ડ ઑલિવ/બ્લૂ ઇકોનોમી' અને 'એજ્યુકેશન, હ્યુમન ડેવલપમેન્ટ એન્ડ ફ્યુચર વર્કફોર્સ' જેવા મહત્વના વિષયો પર ચર્ચા-વિચારણા થશે.

ત્યારબાદ પરિષદના સમાપન અવસરે રેડિસન ગિફ્ટ સિટી ક્લબ, ગાંધીનગર ખાતે વેલેડિક્ટરી સેશન યોજાશે. જેમાં વિયેતનામમાં ભારતના ભૂતપૂર્વ રાજદૂત પ્રીતિ સરન, માનનીય શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને વડોદરાના સાંસદ હેમાંગ જોશી વિશેષ ઉપસ્થિત રહેશે તેમ BAOUની અખબારી યાદીમાં જણાવાયું છે.

Gallery

1780753001 1001771068
1780753001 1001771067
1780753001 1001771066