Home Gujarat
November 19, 2025

ભાદ્રોડ ગામે આવેલું પૌરાણિક ભદ્રેશ્વર મહાદેવ મંદિર, ભગવાન શ્રી કૃષ્ણે સ્થાપના કરી હોવાની વાયકા

Inside Gujarat

Author

Post Image

Bhadreshwar Mahadev: ગરવી ગોહિલવાડની ધરતીના ચરણ પંખાળી રહેલા રત્નાકરની ગોદમાં આવેલા મહુવાથી ઉગમણે અને મોરારી બાપુના તલગાજરડાથી નજીક કલકલ નિનાદ સાથે જળાભિષેક કરી રહી છે. ચકલીના માળા જેવા નાનકડા ગામમાંથી ગણાનાં ત્વા ગણપતિ ગું હવામહે અને હર હર મહાદેવના નાદ ઉઠે છે.

ભાદ્રોડ ગામ જે રૂકમણી અને તેના ભાઇ રૂક્મિ સાથે જોડાયેલું છે. આ ગામમાં ભદ્રેશ્વર મહાદેવની સ્થાપના સ્વયં ભગવાન શ્રીકૃષ્ણે કર્યાનું મનાય છે. તેની પાછળની કથી એવી છે કે કુંદનપુર/કુંડિનાપુર (હાલ કતપુર) ભવાની માતાના દર્શને આવેલા રૂકમણીજી(રુક્મિણી)નું હરણ કરી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકાથી વિપરીત દિશામાં ભાગવાનું નક્કી કર્યું. આ બાજુ કુંદનપુરમાં રુક્ષમણીજીના ભાઈ રૂક્મિને બહેનનું હરણ થવાની ખબર પડતા તે સેના લઈને ભવાની પાછળ આવ્યો.

ભદ્રશિલા/ભોજકોટ (ભાદ્રોડ) ગામે બંનેનો ભેટો થયો. અહીં કૃષ્ણને આંતરીને ભયંકર યુદ્ધ કર્યું હતું. રૂક્મિ પાસે સેના હતી જ્યારે કૃષ્ણ એકલા હતા. ભગવાને સુદર્શન ચક્રને ગતિમાન કર્યું. રુક્ષમણીજી ભગવાનનો ઇરાદો સમજી ગયા. ગમે તેમ બહેન હતીને? ભગવાનના ચરણ પકડી લીધા અને વિનંતી કરી કે પ્રભુ મારો ભાઈ, તમારો સાળો થાય તેનો નાશ કરવો ઉચિત નથી. પ્રભુ માફ કરો, માફ કરો, જે અપભ્રશ થતાં માપરો ઢોરો આજે પણ ભાદ્રોડમાં છે.

ભગવાને સ્પષ્ટતા કરી કે એકવાર સુદર્શન ફરતું કર્યા પછી અટકાવી શકાતું નથી. માટે તેને છોડવું તો પડશે જ પણ રુક્મિનો નાશ નહીં કરું તેમ કહી ભગવાને સુદ્રશન ચક્ર છોડ્યું જે રુક્મિના અર્ધા મસ્તકના વાળ, અર્ધી મુછ અને દાઢી કાપીને પરત ફર્યું.

સંસ્કૃતમાં આ ક્રિયાને ભદ્ર કર્યું કહેવાય અને ક્ષત્રિયની મુંછ કાપી નાખો એટલે મૃત્યુ પામ્યો ગણાય તેવા ખ્યાલ સાથે રુક્મિ ભગવાનને શરણે આવ્યો. જ્યારે તેનું યુદ્ધ કર્યાની યાદ રૂપે ભગવાન શ્રીકૃષ્ણે રુક્મણીજી સાથે બેસીને યુદ્ધભૂમિની બાજુમાં ભગવાન શિવની સ્થાપના કરી તે ભદ્રેશ્વર મંદિર આજે હજારો વર્ષ પછી પણ રૂકમણી હરણની કથા કહી રહ્યું છે. થોડા સમય પછી ત્યાં ગામ સ્થપાયું અને પહેલાં તેનું નામ ભદ્રનગર પડ્યું અને છેવટે અપભ્રંશ થઇને ભાદ્રોડ થયું. મંદિર પર લગાડેલા શિલાલેખ અનુસાર આજથી 900 વર્ષ પૂર્વે તેનો જિણોદ્ધાર થયાનો ઉલ્લેખ છે.