બોક્સ ઓફિસ પર ધુરંધર 2 ની સુનામી, જવાનનો રેકોર્ડ તૂટ્યો, થિયેટરોમાં 24 કલાક હાઉસફુલના પાટિયા
Paras Joshi
Author
બોલીવુડના સુપરસ્ટાર રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર 2' નો ક્રેઝ હાલમાં આખા દેશમાં આગની જેમ ફેલાઈ ગયો છે. આ ફિલ્મ જોવા માટે પ્રેક્ષકોમાં જે પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તે છેલ્લા બે-ત્રણ વર્ષમાં ભાગ્યે જ કોઈ ફિલ્મ માટે જોવા મળ્યો હશે. ઈદના તહેવાર પર રિલીઝ થયેલી આ ફિલ્મે એડવાન્સ બુકિંગમાં જ ધમાકો કરી દીધો હતો અને પહેલા દિવસે 200 કરોડથી વધુનું કલેક્શન કરીને બોક્સ ઓફિસને હચમચાવી દીધું છે. ખાસ કરીને ઓનલાઇન ટિકિટ બુકિંગ પ્લેટફોર્મ બુક માય શો પર આ ફિલ્મે ટિકિટ વેચાણનો એક એવો રેકોર્ડ બનાવ્યો છે જે તોડવો કોઈપણ બોલીવુડ ફિલ્મ માટે મુશ્કેલ હશે.
અગાઉ શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન' (2023) એ રિલીઝના પહેલા દિવસે ૧૧ લાખ ટિકિટો વેચીને રેકોર્ડ બનાવ્યો હતો, પરંતુ 'ધુરંધર 2' એ આ રેકોર્ડને મોટા માર્જિનથી તોડી નાખ્યો છે. રણવીરની આ ફિલ્મે ગુરુવારે જ 16 લાખથી વધુ ટિકિટોનું વેચાણ કર્યું છે. જો ભારતીય ફિલ્મોના ઈતિહાસની વાત કરીએ તો, 'ધુરંધર 2' હવે સૌથી વધુ ટિકિટ વેચનારી ફિલ્મોમાં બીજા સ્થાને છે. તે માત્ર અલ્લુ અર્જુનની 'પુષ્પા 2' થી પાછળ છે, જેના માટે પહેલા દિવસે ૧૭ લાખથી વધુ ટિકિટ બુક થઈ હતી. આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે પ્રેક્ષકો રણવીર સિંહ અને આદિત્ય ધરની જોડી પર કેટલો ભરોસો મૂકી રહ્યા છે.
પ્રેક્ષકોના આ અકલ્પનીય ક્રેઝને પહોંચી વળવા માટે મુંબઈના ઘણા થિયેટરો 24 કલાક કાર્યરત રાખવામાં આવ્યા છે. મુંબઈના કંજૂરમાર્ગ સ્થિત હુમા મોલના મૂવીમેક્સ થિયેટરમાં બુધવારથી જ સતત શો ચાલી રહ્યા છે. અહીં ગુરુવારની મધ્યરાત્રિએ શો પૂરો થયા બાદ શુક્રવારે વહેલી સવારે 2 વાગ્યે અને 6 વાગ્યે પણ શો રાખવામાં આવ્યા હતા, જે તમામ હાઉસફુલ રહ્યા હતા. મુંબઈ ઉપરાંત દિલ્હી-એનસીઆરમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી છે. નોઈડાના મોલ ઓફ ઈન્ડિયામાં પીવીઆર સુપરપ્લેક્સ ખાતે શુક્રવાર માટે એક જ દિવસમાં ૩૭ શો શેડ્યૂલ કરવામાં આવ્યા હતા. આટલા બધા શો હોવા છતાં પણ લોકોને પોતાની મનપસંદ સીટ મેળવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.
ફિલ્મની સફળતા પાછળ રણવીર સિંહનું દમદાર પરફોર્મન્સ અને આદિત્ય ધરનું શાનદાર ડાયરેક્શન હોવાનું માનવામાં આવે છે. સોશિયલ મીડિયા પર ફિલ્મના સીન્સ અને ડાયલોગ્સ પર સતત ચર્ચાઓ થઈ રહી છે, જેના કારણે જે લોકોએ ફિલ્મ નથી જોઈ તેઓ પણ જલ્દીથી થિયેટર સુધી પહોંચવા આતુર છે. હવે જોવાનું એ રહેશે કે વીકેન્ડ દરમિયાન 'ધુરંધર 2' કમાણીના કયા નવા શિખરો સર કરે છે. જે પ્રકારે અત્યારે ટિકિટ બારી પર ભીડ જોવા મળી રહી છે, તે જોતા લાગે છે કે આ ફિલ્મ બોલીવુડના ઘણા જૂના રેકોર્ડ્સને કાયમ માટે ભૂંસી નાખશે.