Paras Joshi
Author
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેરળના ઇડુક્કીમાં એક રેલી દરમિયાન ગુજરાતના લોકોને 'અશિક્ષિત' ગણાવીને વિવાદ છેડ્યો છે. તેમણે કહ્યું કે ગુજરાતના લોકોને વડાપ્રધાન મોદી સરળતાથી ગેરમાર્ગે દોરી શકે છે, જ્યારે કેરળના લોકો વધુ સમજદાર અને શિક્ષિત છે. ભાજપે આ નિવેદનને ગુજરાતનું અપમાન ગણાવ્યું છે અને આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ સતત ઉત્તર અને દક્ષિણ ભારત વચ્ચે ભાગલા પાડવાની રાજનીતિ કરી રહી છે. 9 એપ્રિલે કેરળમાં થનારા મતદાન પૂર્વે આ નિવેદનથી બંને પક્ષો સામસામે આવી ગયા છે.
મલ્લિકાર્જુન ખડગેએ કેરળના ઇડુક્કીમાં આયોજિત ચૂંટણી સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે પીએમ મોદી અને વિજયન બંને એક જ માર્ગ પર ચાલી રહ્યા છે અને તેમની વચ્ચે માત્ર પક્ષનો જ તફાવત છે. ખડગેએ આરોપ લગાવ્યો હતો કે કેરળના મુખ્યમંત્રી પરોક્ષ રીતે મોદીના નિયંત્રણમાં કામ કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે ગુજરાતના લોકોની બૌદ્ધિક ક્ષમતા પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે ત્યાંના લોકો ઓછું ભણેલા હોવાથી વડાપ્રધાન તેમને ભ્રમિત કરી શકે છે, પરંતુ કેરળની શિક્ષિત જનતાને કોઈ છેતરી શકશે નહીં.
ખડગેના આ નિવેદન બાદ ભાજપે તરત જ મોરચો સંભાળી લીધો હતો. ભાજપના સાંસદ અને પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ પત્રકાર પરિષદ યોજીને કોંગ્રેસ પર તીખા બાણ છોડ્યા હતા. ત્રિવેદીએ સવાલ કર્યો હતો કે જો કોંગ્રેસને ગુજરાત અને ઉત્તર ભારતના લોકો ઓછા સમજદાર લાગતા હોય, તો મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુ જેવા મહાન નેતાઓ વિશે તેમનો શો મત છે? તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષનું આ નિવેદન કોઈ અકસ્માત નથી, પરંતુ એક સુનિયોજિત રણનીતિનો ભાગ છે, જે દેશમાં 'ભારત તેરે ટુકડે હોંગે' જેવી વિચારધારાને પ્રોત્સાહન આપે છે.
ભાજપે કોંગ્રેસ પર પ્રાદેશિકવાદ ફેલાવવાનો ગંભીર આરોપ લગાવતા કહ્યું કે આ પહેલીવાર નથી જ્યારે કોંગ્રેસના નેતાઓએ આવું નિવેદન આપ્યું હોય. સુધાંશુ ત્રિવેદીએ પી. ચિદમ્બરમના જૂના નિવેદનો અને તેલંગાણાના મુખ્યમંત્રી દ્વારા બિહારના લોકોના ડીએનએ પર કરાયેલી ટિપ્પણીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે કોંગ્રેસના નેતાઓ સતત એવું દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે દક્ષિણ ભારત વધુ ટેક્સ આપે છે તેથી તેણે અલગ થઈ જવું જોઈએ. ભાજપના મતે આ પ્રકારની રાજનીતિ દેશની અખંડિતતા માટે જોખમી છે.