Paras Joshi
Author
આમ આદમી પાર્ટી અને સાંસદ રાઘવ ચઢ્ઢા વચ્ચેનો આંતરિક વિખવાદ હવે જાહેરમાં આવી રહ્યો છે. તાજેતરમાં એક ઈન્સ્ટાગ્રામ રીલમાં રાઘવ ચઢ્ઢાને પોતાની નવી 'Gen-Z' પાર્ટી બનાવવાની સલાહ આપવામાં આવી હતી, જેનો પ્રતિસાદ આપતા તેમણે તેને એક રસપ્રદ વિચાર ગણાવ્યો છે. પાર્ટીએ તાજેતરમાં જ તેમને રાજ્યસભામાં ઉપનેતાના પદ પરથી હટાવ્યા છે અને તેમના પર પંજાબના મુદ્દાઓ પર નિષ્ક્રિય રહેવાનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ, રાઘવ ચઢ્ઢાની યુવાઓ વચ્ચે વધતી લોકપ્રિયતા અને તેમના સોશિયલ મીડિયા પર વાયરલ થતા ભાષણોએ આ નવી પાર્ટીની અટકળોને વધુ વેગ આપ્યો છે.
બુધવારે રાઘવ ચઢ્ઢાએ 'Seedhathok' નામના જાણીતા કન્ટેન્ટ ક્રિએટરની એક રીલ શેર કરી હતી, જેમાં ક્રિએટર રિહાને દાવો કર્યો હતો કે દેશના યુવાનો ઈચ્છે છે કે રાઘવ ચઢ્ઢા પોતાની અલગ પાર્ટી બનાવે. આ રીલમાં એવું પણ સૂચન કરવામાં આવ્યું હતું કે જો તેઓ બીજી કોઈ પ્રસ્થાપિત પાર્ટીમાં જોડાશે તો કદાચ તેમને અત્યારે મળી રહ્યો છે તેવો પ્રતિસાદ નહીં મળે, પરંતુ પોતાની અલગ પાર્ટી દ્વારા તેઓ યુવાનોના અવાજ તરીકે ઉભરી શકે છે. આ રીલને ૧૧ લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતા હેન્ડલ પરથી હજારો લાઈક્સ મળી છે. રાઘવ ચઢ્ઢાએ જ્યારે આ વિચારને "Interesting thought" કહ્યો, ત્યારે રાજકીય વિશ્લેષકોએ તેને માત્ર મજાક નહીં પણ ભવિષ્યના કોઈ મોટા પરિવર્તનના સંકેત તરીકે જોવાનું શરૂ કર્યું છે.
આ અટકળો એવા સમયે વહેતી થઈ છે જ્યારે આમ આદમી પાર્ટીમાં રાઘવ ચઢ્ઢાનું કદ ઘટાડવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનું જણાય છે. પાર્ટીએ રાજ્યસભામાં રાઘવ ચઢ્ઢાના સ્થાને સાંસદ અશોક કુમાર મિત્તલની નિમણૂક કરી છે. આ નિર્ણય બાદ સંજય સિંહ, આતિશી અને સૌરભ ભારદ્વાજ જેવા વરિષ્ઠ નેતાઓએ રાઘવ પર નિશાન સાધતા કહ્યું હતું કે તેઓ સંસદમાં પંજાબના મહત્વના પ્રશ્નો ઉઠાવવાને બદલે માત્ર પોતાની અંગત છબી બનાવવામાં વ્યસ્ત છે. આતિશીએ તો ત્યાં સુધી પૂછ્યું કે રાઘવ ચઢ્ઢા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે સવાલ પૂછતા કેમ ડરે છે? જ્યારે અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ ત્યારે તેઓ વિદેશમાં આંખની સારવાર કરાવી રહ્યા હતા, જેને લઈને પણ પાર્ટીમાં તેમની ટીકા થઈ હતી.