ઓમાનના દરિયામાં તેલના ટેન્કર પર અમેરિકી મિસાઈલ હુમલો: 3 ભારતીય નાવિકો લાપતા, ભારતે અમેરિકી રાજદ્વારીને કર્યા તલબ!
Paras Joshi
Author
પશ્ચિમ એશિયા અને મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલો ભૌગોલિક-રાજકીય (Geo-political) તણાવ હવે દરિયાઈ વેપાર માર્ગો માટે અત્યંત ઘાતક સાબિત થઈ રહ્યો છે. આગામી 10 જૂનના રોજ ઓમાનના દરિયાકાંઠે એક મોટા કમર્શિયલ ઓઇલ અને કેમિકલ ટેન્કર જહાજ પર સૈન્ય હુમલો થતાં આંતરરાષ્ટ્રીય સ્તરે સનસનાટી મચી ગઈ છે. આ જહાજ પર કામ કરતા કુલ 28 સભ્યોમાંથી પ્રચંડ બહુમતી એટલે કે 24 સભ્યો ભારતીય નાગરિકો હતા. આ હુમલામાં જહાજને ભારે નુકસાન થયું છે અને ભારતના 3 નાગરિકો દરિયામાં લાપતા થયા છે, જેના કારણે ભારત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે.
કેવી રીતે થયો હુમલો? ઈરાની બંદરોની ઘેરાબંદીનું પરિણામ
રોયટર્સ (Reuters) ના અહેવાલ મુજબ, બ્રિટિશ મેરિટાઇમ સિક્યુરિટી ગ્રુપ 'એમ્બ્રે' (Ambrey) એ આશંકા વ્યક્ત કરી છે કે, આ હુમલો સંભવતઃ ઈરાની બંદરોની ઘેરાબંદી કરવા માટે ચલાવવામાં આવી રહેલા અમેરિકી સૈન્ય ઓપરેશનનું સીધું પરિણામ હોઈ શકે છે. અગાઉ પણ આવા જહાજોના ક્રૂ મેમ્બર્સને સત્તાવાર ચેતવણી આપવામાં આવી હતી કે, હુમલાની સ્થિતિમાં તેઓ જહાજના પાછળના ભાગને બદલે આગળના ભાગ (Bow) પર એકઠા થાય. મેરિટાઇમ સિક્યુરિટી સાથે જોડાયેલા અન્ય સંરક્ષણ સૂત્રોએ પણ પુષ્ટિ કરી છે કે જહાજ પર અમેરિકી મિસાઈલથી જ હુમલો કરવામાં આવ્યો હોવાની પૂરેપૂરી સંભાવના છે. જો કે, આ અંગે અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
ભારતે અમેરિકી રાજદ્વારી જેસન મીક્સને કર્યા તલબ
આ આંતરરાષ્ટ્રીય હુમલામાં ભારતીય નાગરિકોના જીવ જોખમમાં મુકાતા ભારતે અત્યંત આક્રમક રાજદ્વારી વલણ અપનાવ્યું છે. બુધવારે નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયના એડિશનલ સેક્રેટરી (અમેરિકા વિભાગ) નાગરાજ નાયડુએ તાત્કાલિક ધોરણે ભારતમાં અમેરિકાના 'ચાર્જ ડી અફેર્સ' (Charge d'Affaires) જેસન મીક્સને સમન્સ પાઠવીને હાજર થવા આદેશ આપ્યો હતો. ભારતે અમેરિકી રાજદ્વારી સમક્ષ આ હુમલાની આકરા શબ્દોમાં નિંદા કરી હતી અને આંતરરાષ્ટ્રીય જળસીમામાં ભારતીય નાગરિકોની સુરક્ષાને લઈને ભારતની ગંભીર ચિંતાઓથી વાકેફ કરીને સખત વિરોધ પત્ર સોંપ્યો હતો.
ઓમાનની નૌસેનાનું મેગા રેસ્ક્યુ ઓપરેશન
યુનાઇટેડ કિંગડમ મેરિટાઇમ ટ્રેડ ઓપરેશન્સ (UKMTO) એજન્સીના જણાવ્યા અનુસાર, 'પલાઉ' (Palau) દેશમાં રજિસ્ટર્ડ થયેલું અને પલાઉનો ધ્વજ ધરાવતું આ કેમિકલ/ઓઇલ પ્રોડક્ટ ટેન્કર જેનું નામ 'સેટેબેલો' (Settebello) છે, તે ઓમાનના સોહર (Sohar) બંદરથી અંદાજે 20 નોટિકલ માઈલ ઉત્તર-પૂર્વ દિશામાં હતું, ત્યારે જ તેના એન્જિન રૂમમાં ભયાનક આગ લાગવાની અને બ્લાસ્ટ થવાની માહિતી મળી હતી.
બ્રિટિશ મેરિટાઇમ રિસ્ક મેનેજમેન્ટ ગ્રુપ 'વેનગાર્ડ' (Vanguard) ના જણાવ્યા અનુસાર, જહાજ દ્વારા મોકલવામાં આવેલી કટોકટીની કૉલ (Distress Call) પર ઓમાનની રોયલ નૌસેનાએ તાત્કાલિક યુદ્ધના ધોરણે મદદ મોકલી હતી. જહાજ પરના 24 ભારતીયોમાંથી 21 ભારતીયોને સફળતાપૂર્વક અને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે, જ્યારે બાકીના 3 ગુમ થયેલા ભારતીયો માટે ઓમાન સત્તાવાળાઓ સાથે મળીને મસ્કત સ્થિત ભારતીય દૂતાવાસ સતત સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહ્યું છે. શિપ-ટ્રેકિંગ પ્લેટફોર્મ 'મરીન ટ્રાફિક' અનુસાર, આ ટેન્કર આંશિક રીતે ઓઇલથી ભરેલું હતું અને છેલ્લે 1 જૂનના રોજ ઓમાનના તટ નજીક ટ્રેક થયું હતું.