Home Politics
May 08, 2026

‘દીદી તમે લડતા રહો, અમે સાથે છીએ’, મમતાના સમર્થનમાં મેદાને પડ્યા અખિલેશ યાદવ

Paras Joshi

Author

Post Image

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામો બાદ સર્જાયેલી રાજકીય અસ્થિરતા વચ્ચે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ આજે (7 May) કોલકાતા પહોંચ્યા હતા. તેમણે મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત કરી તેમને સાંત્વના પાઠવી હતી. અખિલેશે ભાજપ પર લોકશાહીને નષ્ટ કરવાનો અને મહિલા વિરોધી માનસિકતા ધરાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ બેઠકમાં અભિષેક બેનર્જી પણ હાજર રહ્યા હતા, જેણે બંગાળના રાજકારણમાં નવી ચર્ચાઓ જગાડી છે.

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 ના આઘાતજનક પરિણામો બાદ રાજ્યમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ છે. ભાજપે 207 બેઠકો સાથે પ્રચંડ જીત મેળવી હોવા છતાં મમતા બેનર્જીએ રાજીનામું આપવાનો ઈનકાર કર્યો છે, ત્યારે તેમને વિપક્ષી નેતાઓનું સમર્થન મળી રહ્યું છે. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સપા નેતા અખિલેશ યાદવ ખાસ વિમાન દ્વારા કોલકાતા પહોંચ્યા હતા અને સીધા મમતા બેનર્જીના નિવાસસ્થાને ગયા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે ‘દીદી’ ને હિંમત આપતા કહ્યું હતું કે, ‘દીદી, તમે હાર્યા નથી, આ જનાદેશ નથી પણ દબાણ છે.’ અખિલેશનું સ્વાગત ટીએમસીના સેકન્ડ-ઈન-કમાન્ડ અભિષેક બેનર્જીએ ગળે મળીને કર્યું હતું, જે બંને પક્ષો વચ્ચેના મજબૂત સંબંધો દર્શાવે છે.

એરપોર્ટ પર મીડિયા સાથે વાતચીત કરતા અખિલેશ યાદવે ભાજપ સરકાર અને ચૂંટણી પ્રક્રિયા પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે બંગાળમાં જે રીતે પરિણામો આવ્યા છે તે લોકશાહીના પતનનો સંકેત છે. અખિલેશના મતે, ભાજપની આંખોમાં મમતા બેનર્જી એટલા માટે ખૂંચે છે કારણ કે તેઓ મજબૂત નારી શક્તિનું પ્રતીક છે. તેમણે દાવો કર્યો હતો કે ભાજપની વિચારધારા સામંતશાહી છે અને તેઓ ક્યારેય મહિલાઓને સત્તાના સર્વોચ્ચ સ્થાને જોઈ શકતા નથી. તેમણે વધુમાં ઉમેર્યું કે બંગાળમાં લોકોએ મુક્તપણે મતદાન કર્યું નથી, પરંતુ કેન્દ્રીય દળોના દબાણ હેઠળ પરિણામોને પ્રભાવિત કરવામાં આવ્યા છે.