Home Politics
May 27, 2026

સિદ્ધારમૈયા યુગનો અંત? કર્ણાટકમાં સત્તા પરિવર્તનની સ્ક્રિપ્ટ તૈયાર, મુખ્યમંત્રી સિદ્ધારમૈયા ગુરુવારે આપી શકે છે રાજીનામું

Paras Joshi

Author

Post Image

દક્ષિણ ભારતના મહત્વના રાજ્ય કર્ણાટકમાં છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. રાજકીય વર્તુળોમાંથી મળી રહેલા અહેવાલો અનુસાર, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા આગામી 28 મે એટલે કે ગુરુવારે પોતાના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી શકે છે. આ મોટા નિર્ણય પહેલા તેઓ બુધવારે બેંગલુરુમાં એક હાઈ-પ્રોફાઈલ પ્રેસ કોન્ફરન્સને પણ સંબોધિત કરવાના છે, જેમાં તેઓ પોતાની આગામી રણનીતિ સ્પષ્ટ કરશે.

આ અગાઉ દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં એક અત્યંત મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક પૂરી થયા બાદ જ કર્ણાટકમાં સત્તા પરિવર્તનની અટકળોએ જોર પકડ્યું છે.

દિલ્હીની બેઠકમાં શું થઈ સત્તાવાર ચર્ચા?

આ મહત્વપૂર્ણ બેઠક બાદ કોંગ્રેસના જનરલ સેક્રેટરી કેસી વેણુગોપાલે મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે સત્તાવાર નિવેદન આપતા સત્તા પરિવર્તનની વાતોને નકારી કાઢી હતી. વેણુગોપાલે જણાવ્યું હતું કે, "આજની વિસ્તૃત બેઠકમાં માત્ર આગામી રાજ્યસભા ચૂંટણી અને એમએલસી (MLC) ચૂંટણીની વ્યુહરચના અંગે જ ચર્ચા થઈ છે. મીડિયામાં મુખ્યમંત્રી બદલવાને લઈને જે પણ અટકળો ચાલી રહી છે, તેમાં કોઈ સચ્ચાઈ કે દમ નથી."

આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, સીએમ સિદ્ધારમૈયા, ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર અને કર્ણાટકના પાર્ટી પ્રભારી રણદીપ સુરજેવાલા સામેલ હતા. જો કે, કેસી વેણુગોપાલના આ સત્તાવાર ઈનકાર છતાં, અંદરના સૂત્રોનું કહેવું કંઈક જુદું જ છે.