Paras Joshi
Author
પશ્ચિમ બંગાળમાં ૨૩ એપ્રિલે યોજાનારા પ્રથમ તબક્કાના મતદાન પહેલા અમિત શાહે કોલકાતામાં મોરચો સંભાળ્યો છે. તેમણે ૪ કલાક લાંબી બેઠક યોજીને ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી હતી. પશ્ચિમ બર્ધમાનની રેલીમાં તેમણે ટીએમસી પર આકરા પ્રહારો કરતા યુસીસી લાગુ કરવાનું, ઘૂસણખોરી રોકવાનું અને દર વર્ષે ૧ લાખ નોકરીઓ આપવાનું વચન આપ્યું છે. બંગાળમાં પ્રથમ તબક્કામાં ૧૫૨ બેઠકો પર ૨૩ એપ્રિલે અને બીજા તબક્કામાં ૨૯ એપ્રિલે મતદાન થશે, જેના પરિણામો ૪ મે ના રોજ જાહેર થશે.
ચૂંટણી પ્રચારના ભાગરૂપે મંગળવારે અમિત શાહે પશ્ચિમ બર્ધમાનના કુલટીમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે મમતા બેનર્જીની સરકાર પર ભ્રષ્ટાચાર, કથળતી કાયદો અને વ્યવસ્થા તથા ઘૂસણખોરી જેવા મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા. શાહે જનતાને વિશ્વાસ અપાવ્યો હતો કે જો બંગાળમાં ભાજપની સરકાર બનશે તો રાજ્યને ઘૂસણખોરોથી સંપૂર્ણપણે મુક્ત કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે બંગાળમાં સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવાની જાહેરાત કરી હતી, જે અંતર્ગત રાજ્યમાં ૪ લગ્ન કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે તેવી સ્પષ્ટતા કરી હતી.
રોજગારના મુદ્દે યુવાનોને આકર્ષતા અમિત શાહે વચન આપ્યું હતું કે ભાજપ સત્તા પર આવતા જ દર વર્ષે લાયકાતના આધારે ૧ લાખ સરકારી નોકરીઓ આપવામાં આવશે. તેમણે કુલટી વિસ્તારની જૂની ઓળખ યાદ અપાવતા કહ્યું કે આ પ્રદેશ દેશના લોખંડ ઉત્પાદનનું કેન્દ્ર હતો, પરંતુ ટીએમસી સરકારની નીતિઓને કારણે તે બદહાલ થઈ ગયો છે. ભાજપ આ લોખંડ નગરીની જૂની ઓળખ પુનઃસ્થાપિત કરશે, ગેરકાયદેસર ખનન અટકાવશે અને પ્રદૂષણ ફેલાવતા એકમો પર પ્રતિબંધ મૂકીને સ્થાનિક યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરશે.
બંગાળની ચૂંટણીમાં માફિયા અને સિન્ડિકેટ રાજનો અંત લાવવાનો નિર્ધાર વ્યક્ત કરતા ગૃહમંત્રીએ કહ્યું કે નવી સરકાર ગુંડારાજનો સફાયો કરશે અને મોટા માફિયાઓને જેલના સળિયા પાછળ ધકેલશે. તેમણે દાવો કર્યો હતો કે તૃણમૂલ કોંગ્રેસના શાસનમાં વિકાસ રૂંધાયો છે અને માત્ર ભાજપ જ બંગાળને સોનાર બાંગ્લા બનાવી શકે છે. પક્ષના તમામ દિગ્ગજ નેતાઓ અને વડાપ્રધાન મોદી પણ સતત રેલીઓ કરી રહ્યા છે, જે દર્શાવે છે કે ભાજપ આ વખતે કોઈ પણ કચાસ રાખવા માંગતું નથી.
ચૂંટણીના સમયપત્રક મુજબ, ૨૩ એપ્રિલે પ્રથમ તબક્કા હેઠળ ૧૬ જિલ્લાની ૧૫૨ બેઠકો પર મતદાન થશે. આમાં ઉત્તર બંગાળની ૮, દક્ષિણ બંગાળની ૩ અને જંગલમહલ વિસ્તારની ૫ બેઠકોનો સમાવેશ થાય છે. મતદાન સવારે ૭ થી સાંજના ૬ વાગ્યા સુધી ચાલશે. બીજા તબક્કાનું મતદાન ૨૯ એપ્રિલે યોજાશે અને સમગ્ર રાજ્યનું ભાવિ ૪ મે ના રોજ જાહેર થનારા પરિણામો પર ટકેલું છે. અમિત શાહની આ પાંચ દિવસની કોલકાતાની હાજરી કાર્યકરોમાં ઉત્સાહ ભરવા અને અંતિમ ઘડીના વ્યવસ્થાપન માટે અત્યંત મહત્વની માનવામાં આવે છે.