Home Sports
April 08, 2026

ક્રિકેટર ડેવિડ વોર્નર નશાની હાલતમાં ઝડપાયા, સિડની પોલીસે કરી ધરપકડ

Paras Joshi

Author

Post Image

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર ડેવિડ વોર્નરની સિડનીમાં નશામાં ધૂત થઈ ગાડી ચલાવવા બદલ ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, વોર્નરનું આલ્કોહોલ લેવલ 0.1 નોંધાયું હતું, જે નિર્ધારિત મર્યાદા કરતા બે ગણું વધારે છે. રવિવારે સાંજે બનેલી આ ઘટના બાદ વોર્નરને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા અને હવે તેમને મે મહિનામાં કોર્ટમાં હાજર થવું પડશે. હાલમાં વોર્નર પાકિસ્તાન સુપર લીગ (PSL) રમવા માટે પાકિસ્તાન રવાના થઈ ગયા છે, પરંતુ આ કાયદાકીય મામલો તેમની મુશ્કેલીઓ વધારી શકે તેમ છે.

ન્યૂ સાઉથ વેલ્સ પોલીસ દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદન અનુસાર, આ ઘટના 5 એપ્રિલ 2026 ના રોજ સાંજે અંદાજે 5:30 કલાકે મારૂબ્રાના માલાબાર રોડ પર બની હતી. ત્યાં ટ્રાફિક પોલીસ દ્વારા 'રેન્ડમ બ્રેથ ટેસ્ટિંગ' (RBT) ચાલી રહ્યું હતું. આ દરમિયાન વોર્નરની કાર ટેસ્ટિંગ સાઇટથી થોડે દૂર જ ઉભી રહી ગઈ હતી, જેનાથી પોલીસને શંકા ગઈ હતી. જ્યારે અધિકારીઓ તપાસ માટે વોર્નર પાસે પહોંચ્યા અને તેમનો પ્રારંભિક શ્વાસ પરીક્ષણ કર્યો, ત્યારે તેમાં દારૂના સેવનની પુષ્ટિ થઈ હતી. ત્યારબાદ વોર્નરને તાત્કાલિક મારૂબ્રા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.

પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલા ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં જાણવા મળ્યું કે વોર્નરની બ્રેથ એનાલિસિસ રીડિંગ 0.1 આવી હતી. ઓસ્ટ્રેલિયાના કાયદા મુજબ ગાડી ચલાવવા માટે આ મર્યાદા ઘણી વધારે છે. વોર્નર પર 'મિડ-રેન્જ' ડ્રિંક એન્ડ ડ્રાઈવિંગનો ગુનો નોંધવામાં આવ્યો છે. જોકે, ધરપકડ અને જરૂરી કાર્યવાહી બાદ વોર્નરને હાલમાં મુક્ત કરવામાં આવ્યા છે, પરંતુ પોલીસે તેમને મે મહિનામાં કોર્ટમાં હાજર રહેવા માટે સમન્સ પાઠવ્યું છે. આ વિવાદ વોર્નરની છબીને મોટું નુકસાન પહોંચાડી શકે છે, જે અગાઉ પણ મેદાન પરના વર્તનને કારણે વિવાદોમાં રહી ચૂક્યા છે.

નોંધનીય છે કે ડેવિડ વોર્નરે વર્ષ 2024 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. તેમણે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધની વનડે સીરીઝ પહેલા અચાનક નિવૃત્તિનો નિર્ણય લઈને ચાહકોને ચોંકાવ્યા હતા. હાલમાં તેઓ માત્ર વિવિધ દેશોની ટી20 લીગમાં સક્રિય છે. આ ઘટના બની તે સમયે તેઓ પાકિસ્તાન સુપર લીગ (PSL) માં ભાગ લેવા માટે તૈયારી કરી રહ્યા હતા. ધરપકડ બાદ તેઓ પાકિસ્તાન પરત ફર્યા હોવાના અહેવાલો છે, પરંતુ આગામી મે મહિનામાં તેમને રમત છોડીને ફરી ઓસ્ટ્રેલિયા કોર્ટની કાર્યવાહી માટે આવવું પડશે.