Home Sports
April 04, 2026

શ્રેયસની સેનાએ ધોનીના ગઢમાં રચ્યો ઈતિહાસ: 209 રન બનાવીને પણ હાર્યું ચેન્નઈ, પંજાબનો ઐતિહાસિક વિજય

Paras Joshi

Author

Post Image

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026ની સાતમી મેચમાં પંજાબ કિંગ્સે ચેન્નઈ સુપર કિંગ્સના હોમ ગ્રાઉન્ડ એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપોક) પર એક યાદગાર અને ઐતિહાસિક વિજય નોંધાવ્યો છે. શુક્રવાર, 3 એપ્રિલના રોજ રમાયેલા આ મુકાબલામાં ચેન્નઈએ પ્રથમ બેટિંગ કરતા 209 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો, પરંતુ પંજાબના બેટરોએ અદભૂત પ્રદર્શન કરીને 18.4 ઓવરમાં જ 210 રન બનાવી 5 વિકેટે મેચ જીતી લીધી હતી. આ જીત સાથે પંજાબ કિંગ્સે આઈપીએલ ઇતિહાસમાં એક એવો રેકોર્ડ બનાવ્યો છે જે અત્યાર સુધી કોઈ ટીમ બનાવી શકી નથી.

ચેન્નઈ તરફથી યુવા બેટર આયુષ મ્હાત્રેએ 73 રનની શાનદાર ઈનિંગ રમી હતી, જ્યારે શિવમ દુબેએ અણનમ 45 અને સરફરાઝ ખાને માત્ર 12 બોલમાં 32 રન ફટકારીને સ્કોર 200ને પાર પહોંચાડ્યો હતો. પંજાબ તરફથી વિજયકુમાર વૈશાકે સૌથી વધુ 2 વિકેટ ઝડપી હતી. જોકે, પંજાબનો રન ચેઝ વધુ આક્રમક રહ્યો હતો. ઓપનર પ્રિયાંશ આર્યાએ માત્ર 11 બોલમાં 39 રન ફટકારીને પાયો નાખ્યો હતો, જ્યારે પ્રભસિમરન સિંઘે 43 અને કૂપર કોનોલીએ 36 રનનું યોગદાન આપ્યું હતું. કેપ્ટન શ્રેયસ અય્યરે 29 બોલમાં 50 રન બનાવીને ટીમને વિજયના ઉંબરે લાવી દીધી હતી.

આ જીત સાથે પંજાબ કિંગ્સ આઈપીએલ ઇતિહાસની પ્રથમ એવી ટીમ બની ગઈ છે જેણે ચેન્નઈના ઘરમાં (ચેપોક) બે વાર 200 કે તેથી વધુ રનનો ટાર્ગેટ સફળતાપૂર્વક ચેઝ કર્યો હોય. અત્યાર સુધી દુનિયાની કોઈ પણ ટીમ ચેન્નઈ સામે તેમના ગઢમાં બે વાર આટલો મોટો સ્કોર ચેઝ કરી શકી નથી. આ ઐતિહાસિક જીત બાદ પંજાબ કિંગ્સનો આત્મવિશ્વાસ સાતમા આસમાને છે.