Home Sports
April 10, 2026

ઈડન ગાર્ડન્સમાં મુકુલ ચૌધરીનું વાવાઝોડું: છેલ્લી ઓવરના રોમાંચમાં લખનૌએ કોલકાતાના મોઢામાંથી જીત છીનવી

Paras Joshi

Author

Post Image

IPL 2026ની રોમાંચક મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને છેલ્લી ઓવરના છેલ્લા બોલે હરાવ્યું છે. કોલકાતાએ આપેલા 182 રનના લક્ષ્યાંકનો પીછો કરતા લખનૌની ટીમ એક સમયે મુશ્કેલીમાં હતી, પરંતુ મુકુલ ચૌધરીએ માત્ર 27 બોલમાં અણનમ 54 રન ફટકારીને ટીમને જીત અપાવી હતી. કોલકાતા તરફથી અજિંક્ય રહાણે (41) અને અંગકૃષ રઘુવંશીએ (45) સારી બેટિંગ કરી હતી, પરંતુ મુકુલની સાત સિક્સર સામે બોલરો લાચાર દેખાયા હતા. આ કોલકાતાની ચોથી મેચમાં ત્રીજી હાર છે.

કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટના નુકસાને 181 રન બનાવ્યા હતા. ટીમની શરૂઆત નબળી રહી હતી અને ફિન એલન માત્ર 9 રન બનાવી આઉટ થયો હતો. જોકે, ત્યારબાદ કેપ્ટન અજિંક્ય રહાણે અને યુવા બેટ્સમેન અંગકૃષ રઘુવંશીએ બાજી સંભાળી હતી. બંને વચ્ચે બીજી વિકેટ માટે 84 રનની શાનદાર ભાગીદારી થઈ હતી. રહાણેએ 24 બોલમાં 41 રન અને રઘુવંશીએ 33 બોલમાં 45 રનનું યોગદાન આપ્યું હતું. અંતિમ ઓવરોમાં કેમરન ગ્રીન (32*) અને રોવમેન પોવેલ (39*) વચ્ચે થયેલી 70 રનની અણનમ ભાગીદારીને કારણે કોલકાતા સન્માનજનક સ્કોર સુધી પહોંચી શક્યું હતું.

લખનૌ સુપર જાયન્ટ્સ જ્યારે રનચેઝ માટે મેદાનમાં ઉતરી ત્યારે તેમની શરૂઆત સારી રહી હતી. એડન માર્કરામ અને મિચેલ માર્શે પ્રથમ વિકેટ માટે 41 રન જોડ્યા હતા, પરંતુ ઈમ્પેક્ટ પ્લેયર વૈભવ અરોરાએ એક જ ઓવરમાં બંનેને આઉટ કરી કોલકાતાને મેચમાં પરત લાવ્યું હતું. કેપ્ટન ઋષભ પંત માત્ર 10 રન બનાવી આઉટ થયો હતો અને નિકોલસ પૂરન પણ 13 રનથી આગળ વધી શક્યો નહોતો. આયુષ બદોનીએ 37 બોલમાં 54 રન ફટકારીને એક છેડો સાચવી રાખ્યો હતો, પરંતુ તે આઉટ થયા બાદ અને મોહમ્મદ શમીના સસ્તામાં આઉટ થયા પછી લખનૌ 128 રન પર 7 વિકેટ ગુમાવીને હારની અણી પર હતું.

મેચના અંતિમ તબક્કે મુકુલ ચૌધરીએ અત્યંત આક્રમક વલણ અપનાવ્યું હતું. લખનૌને છેલ્લી ઓવરમાં જીતવા માટે 14 રનની જરૂર હતી. વૈભવ અરોરાની આ ઓવરમાં મુકુલે બીજી અને પાંચમી બોલ પર ગગનચુંબી છગ્ગા ફટકારીને સ્કોર લેવલ કરી દીધો હતો. છેલ્લા બોલ પર બાયના રન સાથે લખનૌએ 182 રન બનાવી મેચ જીતી લીધી હતી. મુકુલે પોતાની 27 બોલની ઈનિંગમાં 7 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી અણનમ 54 રન બનાવ્યા હતા. કોલકાતાના બોલરો અનુકૂળ રોય અને વૈભવ અરોરાએ વિકેટો ઝડપી હતી પરંતુ તેઓ મુકુલના તોફાનને રોકી શક્યા નહોતા.

આ જીત સાથે IPL ઈતિહાસમાં લખનૌ અને કોલકાતા વચ્ચે રમાયેલી કુલ 7 મેચોમાં હવે લખનૌનો દબદબો વધુ વધ્યો છે. અત્યાર સુધી લખનૌએ 5 મેચ જીતી છે જ્યારે કોલકાતા માત્ર 2 મેચ જીતી શક્યું છે. કોલકાતા માટે આ સીઝન અત્યાર સુધી નિરાશાજનક રહી છે કારણ કે તેઓ મુંબઈ અને હૈદરાબાદ સામે પણ હારી ચૂક્યા છે. ઈડન ગાર્ડન્સમાં હાજર હજારો પ્રશંસકોને આશા હતી કે કેકેઆર આજે જીતનું ખાતું ખોલશે, પરંતુ મુકુલ ચૌધરીની શાનદાર બેટિંગે લખનૌના કેમ્પમાં ખુશી લાવી દીધી હતી. હવે કોલકાતાએ આગામી મેચોમાં પોતાની વ્યૂહરચનામાં મોટો ફેરફાર કરવો પડશે.