સિનેમાના 'હીમેન' ધર્મેન્દ્રને મરણોપરાંત દેશનું સર્વોચ્ચ સન્માન: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે એવોર્ડ લેતા હેમા માલિનીની આંખો થઈ ભીની
Paras Joshi
Author
ભારતીય સિનેમા જગતના ઇતિહાસમાં જેમના યોગદાનને ક્યારેય ભૂલી શકાય તેમ નથી, તેવા સદાબહાર અને લોકપ્રિય અભિનેતા ધર્મેન્દ્રને આજે દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનો પૈકીના એક એવા 'પદ્મ વિભૂષણ'થી સન્માનિત કરવામાં આવ્યા છે. દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં સોમવારે એટલે કે 25 May ના રોજ યોજાયેલા આ ગૌરવપૂર્ણ સમારોહમાં ધર્મેન્દ્રને આ સન્માન મરણોપરાંત એનાયત કરવામાં આવ્યું છે. 'હીમેન' તરીકે જાણીતા અભિનેતા વતી આ એવોર્ડ તેમના ધર્મપત્ની અને સાંસદ હેમા માલિનીએ સ્વીકાર્યો હતો. આ ક્ષણ દેઓલ પરિવાર અને ધર્મેન્દ્રના દેશભરમાં ફેલાયેલા કરોડો ચાહકો માટે અત્યંત ગર્વની સાથે-સાથે ભારે ભાવુક કરી દેનારી સાબિત થઈ હતી.
એવોર્ડ સમારોહમાં હેમા માલિની તેમની નાની પુત્રી અહાના દેઓલ સાથે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. ગુલાબી (Pink) રંગની સુંદર સાડીમાં સજ્જ હેમા માલિની જ્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પાસેથી પોતાના સ્વર્ગસ્થ પતિનો એવોર્ડ લેવા સ્ટેજ પર પહોંચ્યા, ત્યારે તેમના ચહેરા પર ધર્મેન્દ્રને ગુમાવવાનું દુઃખ અને આટલા મોટા સન્માન મેળવવાનો ગર્વ એમ બંને ભાવો સ્પષ્ટ દેખાતા હતા. હેમા માલિનીએ પોતાની આંખોમાં આવેલા આંસુઓને માંડ-માંડ કાબૂમાં રાખીને આ એવોર્ડ રિસીવ કર્યો હતો.
બીજી તરફ, સામે પ્રેક્ષકોની ગેલેરીમાં બેઠેલી દીકરી અહાના દેઓલ પિતાને મળેલા આ સર્વોચ્ચ સન્માનને જોઈને પોતાના ઈમોશન્સ પર કંટ્રોલ રાખી શકી નહોતી. અહાના પિતાના માનમાં તાળીઓ વગાડતા-વગાડતા ધ્રુસ્કે-ધ્રુસ્કે રડી પડી હતી. આ કપરી અને ભાવુક ક્ષણે તેની સાથે હાજર તેના પતિ વૈભવ વોહરા અહાનાને સંભાળતા અને સાંત્વના આપતા નજરે પડ્યા હતા. સોશિયલ મીડિયા પર આ દ્રશ્યો વાયરલ થતાં જ ધર્મેન્દ્રના ફેન્સ પણ ઈમોશનલ થઈ ગયા હતા.
સની-બોબી અને પ્રકાશ કૌર સમારોહમાં ન દેખાયા
આ અગાઉ હેમા માલિનીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેમની મોટી દીકરી ઈશા દેઓલ પણ આ ઐતિહાસિક પળની સાક્ષી બનવા માટે રાષ્ટ્રપતિ ભવન આવવા માંગતી હતી, પરંતુ કોઈ કારણોસર તે આવી શકી નહોતી. હેમાએ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે આખા પરિવાર માટે આ એક અત્યંત ભાવનાત્મક ક્ષણ છે અને ધર્મેન્દ્રને મળી રહેલા આ સન્માનથી પરિવારનો દરેક સભ્ય ખુબ જ ખુશ છે. સની દેઓલ અને બોબી દેઓલ પણ આ સન્માનથી વાકેફ હતા.
જો કે, આ ભવ્ય અને પ્રતિષ્ઠિત પુરસ્કાર સમારોહમાં ધર્મેન્દ્રના પ્રથમ પત્ની પ્રકાશ કૌરનો પરિવાર જોવા મળ્યો નહોતો. અભિનેતા સની દેઓલ, બોબી દેઓલ કે પ્રકાશ કૌર રાષ્ટ્રપતિ ભવનના આ કાર્યક્રમમાં ક્યાંય નજરે પડ્યા નહોતા. ઉલ્લેખનીય છે કે ધર્મેન્દ્રએ બે લગ્ન કર્યા હતા, જેમાં તેમના પ્રથમ પત્ની પ્રકાશ કૌર છે અને બીજા પત્ની હેમા માલિની છે.