ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે ‘તેજતૃષા મહોત્સવ ૨૦૨૬’નો ભવ્ય શુભારંભ: યુવા પ્રતિભાના પ્રોત્સાહનનો અનોખો અવસર
Paras Joshi
Author
Ahmedabad News: અમદાવાદ સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના આંગણે આજે વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓને ખીલવવાના ઉદ્દેશ્ય સાથે ‘તેજતૃષા મહોત્સવ ૨૦૨૬’નો શાનદાર પ્રારંભ થયો. રાજ્યભરમાંથી આવેલા વિદ્યાર્થીઓના ઉત્સાહ વચ્ચે મુખ્ય અતિથિ પદ્મશ્રી જગદીશ ત્રિવેદી તથા કુલપતિશ્રી પ્રો. અમી ઉપાધ્યાય દ્વારા મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેલા જાણીતા હાસ્ય કલાકાર અને પદ્મશ્રી ડૉ. જગદીશ ત્રિવેદીએ પ્રેરક વક્તવ્ય આપ્યું. માત્ર પુસ્તકિયું જ્ઞાન કે પરીક્ષાનાં પરિણામો જ જીવનનું સત્ય નથી. વિદ્યાર્થીએ પોતાની ભીતર રહેલી ઈશ્વરદત્ત કળા અને મૌલિક શક્તિને ઓળખીને આત્મવિશ્વાસ સાથે વિશ્વફલક પર સફળતાનાં શિખરો સર કરવાં જોઈએ. તેમના ઉદબોધને ઉપસ્થિત યુવા વર્ગમાં નવો જોશ અને ચેતનાનો સંચાર કર્યો હતો.
કાર્યક્રમમાં અધ્યક્ષીય વક્તવ્ય આપતા યુનિવર્સિટીનાં કુલપતિ પ્રો. અમી ઉપાધ્યાયે ‘તેજતૃષા મહોત્સવ ૨૦૨૬’ના હાર્દને સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, આ યુવકોત્સવનો ઉદ્દેશ્ય માત્ર હરીફાઈનો નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં રહેલી કળા, સાહિત્ય અને રમતગમતની સુષુપ્ત શક્તિઓને ઓળખીને તેમને વિશ્વ ફલક પર મૂકવાનો છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસની આ જ પ્રતિબદ્ધતા યુનિવર્સિટીના અન્ય પ્રકલ્પોમાં પણ પ્રતિબિંબિત થાય છે; જ્યાં એક તરફ યુવા પ્રતિભાઓને આત્મનિર્ભર બનાવવા 'સ્ટાર્ટઅપ અને ઇનોવેશન' માટે અનુદાન અપાય છે, તો બીજી તરફ સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવતા જેલના કેદીઓ અને ટ્રાન્સજેન્ડર સમુદાય માટે 'નિઃશુલ્ક શિક્ષણ'ના દ્વાર પણ ખોલવામાં આવ્યા છે.
ઉદ્ઘાટન સમારોહના અંતે યુનિવર્સિટીના કુલસચિવ શ્રી એ. કે. જાડેજા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. પ્રારંભે ડૉ. સંજય પટેલ દ્વારા સ્વાગત વક્તવ્ય તથા આભાર દર્શન કુલ સચિવ એ.કે. જાડેજાએ કર્યું. આ ઉદ્ઘાટન સત્રની પૂર્ણાહુતિ. બાદ વિવિધ સાંસ્કૃતિક, સાહિત્યિક, સ્પર્ધાઓ તથા રમતગમત સ્પર્ધાઓના વિજેતાઓને પુરસ્કૃત કરવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે આ યુવા મહોત્સવમાં રાજ્યના દરેક જિલ્લાના આઠસો જેટલાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
Gallery