Home World
April 11, 2026

ઇસ્લામાબાદમાં શાંતિનો મહાસંગ્રામ: પેટ્રોલ ડિઝલમાં કડાકા સાથે પાકિસ્તાન કરશે અમેરિકા-ઈરાન બેઠકની યજમાની

Paras Joshi

Author

Post Image

પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે અમેરિકા અને ઈરાન વચ્ચેની શાંતિ મંત્રણા પહેલા મોટું એલાન કર્યું છે. પાકિસ્તાનમાં ડીઝલની કિંમત 520 રૂપિયાથી ઘટાડીને 385 રૂપિયા પ્રતિ લિટર કરી દેવામાં આવી છે, જ્યારે પેટ્રોલમાં પણ 12 રૂપિયાનો ઘટાડો કરાયો છે. શહબાઝ શરીફે આ મંત્રણાની યજમાનીને સમગ્ર મુસ્લિમ જગત માટે ગૌરવ ગણાવ્યું છે. બીજી તરફ, અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને ઈરાની પ્રતિનિધિમંડળ વચ્ચે યોજાનારી આ બેઠક પર અનિશ્ચિતતાના વાદળો છે, કારણ કે ઈરાને વાતચીત શરૂ કરવા માટે કડક શરતો મૂકી છે.

વડાપ્રધાન શહબાઝ શરીફે જણાવ્યું હતું કે આર્થિક કટોકટી અને વધતી જતી મોંઘવારીનો સામનો કરી રહેલા પાકિસ્તાની પરિવારોને રાહત આપવા માટે સરકારે આ મોટો નિર્ણય લીધો છે. ડીઝલના ભાવમાં થયેલો 135 રૂપિયાનો ઘટાડો કૃષિ અને પરિવહન ક્ષેત્ર માટે આશીર્વાદ સમાન સાબિત થશે. સરકારના આ પ્રયાસને અર્થતંત્રને સ્થિર કરવાના વ્યાપક મિશન તરીકે જોવામાં આવી રહ્યો છે. વડાપ્રધાને ઉમેર્યું હતું કે જ્યારે દેશ આટલી મોટી આંતરરાષ્ટ્રીય ઘટનાની યજમાની કરી રહ્યો હોય ત્યારે જનતાને પણ તેની ખુશીમાં સહભાગી બનાવવી એ સરકારની ફરજ છે.

શાંતિ વાટાઘાટો અંગે વાત કરતા શહબાઝ શરીફે કહ્યું કે અમેરિકા અને ઈરાનને મંત્રણાના ટેબલ પર લાવવા એ પાકિસ્તાન માટે માત્ર રાજદ્વારી સફળતા નથી, પરંતુ તે સમગ્ર ઇસ્લામિક વિશ્વ માટે ગર્વની બાબત છે. તેમણે ઈરાન અને અમેરિકાના નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો કે જેમણે પાકિસ્તાનની વિનંતીને માન આપીને યુદ્ધવિરામ માટે સંમતિ દર્શાવી છે. પાકિસ્તાની પીએમે આશા વ્યક્ત કરી છે કે આ મંત્રણા સફળ થશે અને મધ્ય પૂર્વમાં શાંતિનો નવો સૂર્યોદય થશે. તેમણે દેશના નાગરિકોને આ વાટાઘાટોની સફળતા માટે દુઆ કરવા પણ વિનંતી કરી છે.

જોકે, આ શાંતિ મંત્રણાના માર્ગમાં હજુ પણ અનેક પડકારો છે. અમેરિકી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ કરી રહ્યા છે, જેઓ પહેલેથી જ ઈરાન પ્રત્યે કડક વલણ ધરાવે છે. બીજી તરફ, ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે જ્યાં સુધી લેબનાનમાં યુદ્ધવિરામ અને તેમની ફ્રીઝ કરવામાં આવેલી સંપત્તિને મુક્ત કરવા જેવી શરતો નહીં માનવામાં આવે ત્યાં સુધી કોઈ સત્તાવાર વાતચીત શરૂ થઈ શકશે નહીં. ઈરાની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બઘેર ગાલિબાફે પણ તેહરાનનો પક્ષ મજબૂતીથી રજૂ કર્યો છે, જેના કારણે ઈસ્લામાબાદમાં રમાઈ રહેલી આ રાજદ્વારી ચેસની રમત અત્યંત જટિલ બની ગઈ છે.