ઈસ્લામાબાદમાં શાંતિનો મહાકુંભ: ઈરાની ડેલિગેશને અમેરિકા સામે મૂક્યું શરતોનું લિસ્ટ
Paras Joshi
Author
અમેરિકા અને ઈરાન વચ્ચેના સંબંધોમાં સુધારો લાવવા માટે પાકિસ્તાન શનિવારે એક અત્યંત મહત્વની બેઠકની યજમાની કરી રહ્યું છે. ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાકેર ગાલિબાફની આગેવાની હેઠળ એક મોટું પ્રતિનિધિમંડળ ઈસ્લામાબાદ પહોંચ્યું છે, જેમાં દેશના ટોચના સૈન્ય અને આર્થિક અધિકારીઓ સામેલ છે. જોકે, ઈરાને શરત મૂકી છે કે વોશિંગ્ટન તેમની માંગણીઓ સંતોષે તે પછી જ સત્તાવાર ચર્ચાઓ શરૂ થશે. બીજી તરફ, પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફે આ મંત્રણાને મુસ્લિમ જગત માટે ગૌરવ ગણાવ્યું છે અને દેશમાં ઈંધણના ભાવમાં મોટો ઘટાડો કરીને જનતાને પણ ભેટ આપી છે.
ઈરાની મીડિયાના અહેવાલો મુજબ, આ ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળમાં માત્ર રાજકીય નેતાઓ જ નહીં, પરંતુ દેશની રક્ષા અને અર્થતંત્રના સ્તંભો સમાન અધિકારીઓ પણ સામેલ છે. ઈરાનના વિદેશ મંત્રી, સંરક્ષણ પરિષદના સચિવ અને સેન્ટ્રલ બેંકના ગવર્નરની હાજરી સૂચવે છે કે ઈરાન આ વખતે આર્થિક પ્રતિબંધો અને પ્રાદેશિક સુરક્ષાના મુદ્દે નક્કર ઉકેલ ઈચ્છે છે. આ ડેલીગેશને પાકિસ્તાન ઉતરતાની સાથે જ ફરીથી તે વાતો દોહરાવી છે કે જ્યાં સુધી લેબનાનમાં સ્થિતિ સુધરશે નહીં અને ઈરાનની આર્થિક મડાગાંઠ ઉકેલાશે નહીં, ત્યાં સુધી ટેબલ પરની વાતચીતનું કોઈ પરિણામ આવશે નહીં.
અત્યારે આ મંત્રણા માટે પાકિસ્તાનની પસંદગી એક વ્યૂહાત્મક પગલું માનવામાં આવી રહ્યું છે, કારણ કે પાકિસ્તાન બંને દેશો વચ્ચે મધ્યસ્થી તરીકે ઉભરી આવ્યું છે. વડાપ્રધાન શહબાઝ શરીફે આ પ્રસંગે હર્ષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમેરિકા અને ઈરાનને એક મંચ પર લાવવા એ પાકિસ્તાન માટે અને સમગ્ર ઈસ્લામિક દેશો માટે ગર્વની વાત છે. તેમણે અમેરિકી અને ઈરાની નેતૃત્વનો આભાર માન્યો હતો કે જેમણે પાકિસ્તાનની વિનંતી પર અસ્થાયી યુદ્ધવિરામ સ્વીકાર્યો અને શાંતિનો માર્ગ પસંદ કર્યો. આ ઐતિહાસિક દિવસની ઉજવણી અને જનતાની સુખાકારી માટે પાકિસ્તાન સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 135 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જે હવે 520 થી ઘટીને 385 રૂપિયા પર પહોંચી ગયો છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે અન્ય એક મહત્વની ઘટનાક્રમમાં, લેબનાન અને ઈઝરાયેલે પણ આવતા મંગળવારે યુ.એસ. સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં પ્રથમ બેઠક યોજવા માટે સહમતી દર્શાવી છે. આ બેઠકનો મુખ્ય હેતુ સત્તાવાર રીતે યુદ્ધવિરામની જાહેરાત કરવાનો અને સરહદી વિવાદો પર ચર્ચા કરવાનો છે. ઈસ્લામાબાદમાં રમાઈ રહેલી આ રાજદ્વારી ચેસની રમત જો સફળ રહેશે, તો તેની સીધી હકારાત્મક અસર લેબનાન-ઈઝરાયેલ મંત્રણા પર પણ પડશે. ઈરાન અત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાના પર લદાયેલા આર્થિક પ્રતિબંધોમાં રાહત ઈચ્છે છે, જે આ શાંતિ વાટાઘાટોનો મુખ્ય પાયો છે.
નિષ્ણાતોનું માનવું છે કે અવિશ્વાસના વાતાવરણમાં યોજાઈ રહેલી આ બેઠક અત્યંત નાજુક છે. જો અમેરિકા ઈરાનની શરતો પ્રત્યે સકારાત્મક અભિગમ નહીં બતાવે, તો આ શાંતિ પ્રક્રિયા વિખેરાઈ શકે છે અને મધ્ય પૂર્વમાં ફરી સંઘર્ષની જ્વાળાઓ ભભૂકી શકે છે. હાલમાં તો તમામની નજર ઈસ્લામાબાદના તે હોલ પર છે જ્યાં શનિવારે બંને દેશોના પ્રતિનિધિઓ આમને-સામને બેસશે. આ બેઠકના પરિણામો પરથી જ નક્કી થશે કે આગામી સમયમાં તેલના ભાવો અને વૈશ્વિક સુરક્ષાની સ્થિતિ કેવી રહેશે.