યુદ્ધની અસર ભારતના રસ્તાઓ પર! ખાનગી પંપો પર પેટ્રોલ રૂ.7 અને ડીઝલ રૂ.25 મોંઘું થયું
Paras Joshi
Author
વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની અછત અને યુદ્ધના સંજોગોને કારણે ખાનગી ઈંધણ વિક્રેતાઓ ભારે દબાણ હેઠળ છે. બેંગલુરુમાં શેલ ઈન્ડિયાના પંપો પર હવે સામાન્ય પેટ્રોલની કિંમત 119.85 રૂપિયા અને પાવર વેરિઅન્ટની કિંમત 129.85 રૂપિયા થઈ ગઈ છે. સૌથી મોટો ફટકો ડીઝલના ભાવમાં પડ્યો છે, જ્યાં 25.01 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. આ વધારા સાથે હવે સામાન્ય ડીઝલ 123.52 રૂપિયા અને પ્રીમિયમ ડીઝલ 133.52 રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે. સ્થાનીય ટેક્સ અને પરિવહન ખર્ચને કારણે ગુજરાત, મહારાષ્ટ્ર અને તમિલનાડુ જેવા રાજ્યોમાં આ કિંમતોમાં થોડો તફાવત જોવા મળી શકે છે.
મની કંટ્રોલના અહેવાલ મુજબ, ઈરાન યુદ્ધને કારણે તેલના પુરવઠામાં જે વિક્ષેપ પડ્યો છે તે જોતા આ કિંમતોમાં હજુ પણ વધારો થવાની પ્રબળ શક્યતા છે. નિષ્ણાતોનું અનુમાન છે કે જો સ્થિતિ વધુ વણસશે તો ડીઝલના ભાવ પ્રતિ લિટર 148 થી 165 રૂપિયા સુધી પહોંચી શકે છે. જોકે, હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ખાનગી કંપનીઓની મુશ્કેલી એ છે કે જાહેર ક્ષેત્રની સરકારી કંપનીઓ (PSUs) ને સરકાર તરફથી વળતર મળે છે, જેથી તેઓ ભાવ સ્થિર રાખી શકે છે, પરંતુ ખાનગી કંપનીઓને આવું કોઈ વળતર મળતું નથી, જેના કારણે તેમને સીધો જ ભાવ વધારો કરવો પડે છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ નાયરા એનર્જીએ પણ પોતાના 6,967 પેટ્રોલ પંપો પર પેટ્રોલના ભાવમાં 5 રૂપિયા અને ડીઝલમાં 3 રૂપિયાનો વધારો કર્યો હતો. શેલ ઈન્ડિયાના ભારતમાં ૩૨૫ થી વધુ પંપો છે, જે મુખ્યત્વે કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત અને તેલંગાણા જેવા રાજ્યોમાં આવેલા છે. ભારત તેની તેલની જરૂરિયાતના 88 ટકા હિસ્સો આયાત કરે છે, તેથી હોર્મુઝ સ્ટ્રેટ જેવો મહત્વનો દરિયાઈ માર્ગ બંધ થવાથી ભારત માટે તેલનો પુરવઠો મેળવવો મુશ્કેલ અને મોંઘો બની રહ્યો છે. 8 ફેબ્રુઆરીએ ઈરાન પર થયેલા હુમલા બાદ બ્રેન્ટ ક્રૂડના ભાવમાં જે 60 ટકાનો ઉછાળો આવ્યો છે તે અત્યારે ભારતીય અર્થતંત્ર માટે પડકારજનક સાબિત થઈ રહ્યો છે.